જીલ્લા સેવા સદન ખાતે જીલ્લા ચુંટણી અધિકારીની અધ્યક્ષતા હેઠળ વેપારી એસોશીએશનની બેઠક યોજાઇ

  • મતદાન કરનાર દાહોદ વાસીઓને વેપારીઑ દ્વારા 5 થી 10 ટકા ખાસ ડિસ્કાઉન્ટ અપાશે.
  • દાહોદ જીલ્લાના વિવિધ એસોસિએશનની પહેલ, 7 મે ના રોજ વોટ કરશો તો ખરીદીમાં મળશે ડિસ્કાઉન્ટ.

દાહોદ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અનુસંધાને દાહોદ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ 19-દાહોદ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ લોકો 7 મે ના રોજ લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે તે માટે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે જીલ્લાના વિવિધ એસોસિએશનના પ્રમુખો અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જીલ્લા ચૂંટણી અધિકારીની અપીલ હેઠળ વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓએ આગામી 7 મે ના રોજ યોજાનાર લોકસભા ચુંટણીમાં મત આપનાર લોકોને વિવિધ ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવાનું સર્વસંમતિથી જાહેર કર્યું હતું.

વેપારી એસોસિએશન દ્વારા ચૂંટણીમાં મત આપનાર લોકોને વોટિંગ બાદ જ્યા સુધી ચિહ્ન દેખાય ત્યાં સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મતદારોને પ્રોત્સાહન આપવા દાહોદના વેપારી એસોસિએશન દ્વારા મત આપનાર તમામ લોકોને દુકાનો ખાતે ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મીઠાઈ ફરસાણની દુકાનો પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે દ્વારા દાહોદ જીલ્લા વાસીઓને 7 મે ના રોજ વધુમાં વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આહવાન કર્યું હતું.

આ બેઠકમાં નાયબ જીલ્લા ચુંટણી અધિકારી હેતલ વસૈયા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ.એ.બારીયા સહિત વેપારી એસોસિએશનના પ્રમુખઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.