જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

  • જિલ્લા આયોજન મંડળ દ્વારા વર્ષ 2023-24 અંતર્ગત રૂ.992.07 લાખના કુલ 1101 જનહિતના વિકાસકાર્યોને મંજૂર કરાયા.
  • મંત્રીના હસ્તે મહિસાગર ડિસ્ટ્રિક્ટ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ 2.0 બુકનું કરાયું અનાવરણ.

મહીસાગર,મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક કલેકટર કચેરી, લુણાવાડા સભાખંડ ખાતે યોજાઈ હતી.

જેમાં વર્ષ 2023-24 વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળ જિલ્લાના છ તાલુકાઓ અને ત્રણ નગરપાલિકાઓ મળીને કુલ રૂ.992.07 લાખના વિવિધ વિકાસકામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.

આ બેઠકમાં મંત્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને દરેક વિકાસકામ સમયમર્યાદામાં ગુણવત્તાસભર થાય તે ખૂબ જ આવશ્યક છે. જે અનુસંધાને પદાધિકારી-અધિકારીઓ અને વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવી કામ કરવું ખૂબ જ જરૂરી છે.વધુમાં સંસદસભ્યની ગ્રાન્ટ સંબંધિત કામો વહેલી તકે પૂર્ણ કરવાનું સૂચન કર્યું હતું.

આ બેઠકમાં મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ ,શિક્ષણ મંત્રી કૂબેરભાઇ ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવો હસ્તે જિલ્લા આયોજન કચેરી દ્વારા તૈયાર કરાયેલ મહિસાગર જિલ્લાના ડિસ્ટ્રિક્ટ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ 2.0 બુકનું અનાવરણ કરાયું હતું.

બેઠકમાં જિલ્લા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, અધિક નિવાસી કલેકટર, પ્રાયોજના વહીવટદાર , આયોજન અધિકારી સહિત દરેક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.