વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર રાજ્યના નાગરિકોને આરોગ્ય સેવાઓ અને ખાસ કરીને તાત્કાલિક સારવારની સુવિધામાં વધારો કરવા સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત રાજ્યના નાગરિકોને ત્વરિત સારવાર પહોંચાડવા અને જનતાની આરોગ્ય સુવિધામાં વધારો કરતા સરકારે કાર્ય અવધિ પૂર્ણ થયેલ હોય તેવી એમ્બ્યુલન્સની જગ્યાએ નવી કુલ 100 જેટલી એમ્બ્યુલન્સ ફાળવી છે.
આ નવીન અત્યાધુનિક સુવિધા અને ટેકનોલોજીથી સજ્જ 100 જેટલી 108 એમ્બ્યુલન્સ પૈકી 03 પંચમહાલ જિલ્લામા ફાળવવામાં આવી છે. જેનું જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાના વરદ્હસ્તે લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, વર્તમાન સમયમાં જિલ્લામાં કુલ 18 જેટલી 108 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે, જેથી હવે 03 નવીન એમ્બ્યુલન્સનો વધારો થતાં જિલ્લાની જનતાને ઉપલબ્ધ આરોગ્ય સેવાઓમાં વધારો થયો છે.
આ પ્રસંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી જે.પી. પરમાર, પ્રોગ્રામ મેનેજર ધર્મેન્દ્રસિંહ પુવાર અને આ સેવાના જિલ્લા એક્ઝિક્યુટિવ તેજપાલસિંહ જાદવ તથા રિતેશભાઈ સક્સેના તેમજ જિલ્લાની 108 ટીમના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.