- જિલ્લા પંચાયત ભવન ખાતે કૂપોષણ મુક્ત ખેડા પ્રોજેકટ અમલીકરણ અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા, આરોગ્ય શાખા દ્વારા સંબંધિત કર્મચારીઓનો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
- 3 તાલુકાના 150 માંથી 140 થી વધારે બાળકો અતિકુપોષણમાંથી બહાર આવ્યા.
નડીયાદ, જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષપણા હેઠળ કુપોષણ મુક્ત ખેડા જિલ્લાના અભિગમને સાચા અર્થમાં સાર્થક કરવા માટે મહુધા, ઠાસરા અને ગળતેશ્વર તાલુકાને પાઇલોટ પ્રોજેકટ તરીકે પસંદગી કરી કુપોષણ મુક્ત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પ્રોજેકટના અંતે કુલ 150 માંથી 140 થી વધારે બાળકો અતિકુપોષણમાંથી બહાર આવ્યા છે. પાયલોટ પ્રોજેકટની આ સફળતા બાદ જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં આ અભિયાનનું અમલીકરણ કરવામાં આવનાર હોય જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત ભવન ખાતે આઈ.સી.ડી.એસ. શાખા, આરોગ્ય શાખા દ્વારા સંબંધિત કર્મચારીઓનો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રોજેકટનો મુખ્ય હેતુ બાળકોને કુપોષણ મુક્ત કરવા તેમજ બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી સતત સંભાળ કરવી, લાભાર્થીઓ તેમજ તેમના કુટુંબીજનોનું જીવન ધોરણ ઊંચું લાવવું, ગ્રામ્ય સ્તરે આરોગ્ય અને પોષણ બાબતે જન જાગૃતિ લાવવાનો છે.
આ કાર્યક્રમમાં આર.સી.એચ.ઓ અને પ્રોગ્રામ ઓફિસર-આઈ.સી.ડી.એસ દ્વારા તાલીમ આપવામાં આવી હતી જેમાં સ્તનપાનનું મહત્વ, રસીકરણ, બાળકોમાં કુપોષણ માટે જવાબદાર કારણો, પૌષ્ટિક આહાર, સ્વચ્છતા, બીમાર બાળકની સંભાળ, બાળકના વૃદ્ધિ વિકાસના મૂલ્યાંકનની દેખરેખ, સગર્ભાવસ્થા દરમિયાનની કાળજી, ત્રીજું ભોજન, ગૃહ મુલાકાત, કાઉન્સેલિંગ વગેરે મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા તદુપરાંત ફિલ્ડકક્ષાએ દૈનિક કરવાની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રોજેકટનું સુચારૂં અમલ કરવા માટે ચેકલીસ્ટની સમજ આપવામાં આવી હતી તથા આંગણવાડી કાર્યકર, આશા અને અન્ય ફિલ્ડ સ્ટાફ દ્વારા નિયત ગાઈડ્લાઇન મુજબ નિયમિત કામગીરી થાય તે સુનિશ્ચિત કરવા તેમજ અઠવાડિયામાં એક વખત તાલુકાકક્ષાએ સમીક્ષા કરવા સૂચન કરવામાં આવ્યું હતું. સાથે સાથે પ્રોજેક્ટની વ્યુહરચનાના પગલાં વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સી.ડી.એચ.ઓ, આર.સી.એચ.ઓ, પ્રોગ્રામ ઓફિસર-આઈ.સી.ડી.એસ, તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર,આર.બી.એસ.કે નોડલ, બાળ વિકાસ યોજના અધિકારી અને મુખ્ય સેવિકા હાજર રહયાં હતા.