જીલ્લા ન્યાયાલય, નડીઆદ ખાતે તા.22/06/2024 નાં રોજ નેશનલ લોક અદાલતમાં ઈ ચલણ (મેમો)નાં નિકાલ કરી શકાશે

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રિમ કોર્ટ, દિલ્હી દ્વારા લોક અદાલતના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાં આદેશાનુસાર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, નડીઆદનાં ચેરમેન અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ . એન એ. અંજારીઆના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ આગામી તા.22/06/2024 શનિવારના રોજ જીલ્લા ન્યાયાલય, નડીઆદ મુકામે આવેલ કોર્ટો સહિત ખેડા જીલ્લાના તમામ તાલુકા મથકે કાર્યરત તાલુકા કોર્ટો ખાતે નેશનલ લોક અદાલત યોજાશે. આ નેશનલ લોક અદાલતમાં ખેડા જીલ્લા ખાતે ટ્રાફીક નિયમ ભંગ બદલ ઈશ્યુ કરવામાં આવેલ ઈ-ચલણ (મેમો)નાં બાકી પડતી દંડની રકમ ભરપાઈ કરીને ઈ-ચલણ (મેમો)નાં નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જેનાં અનુસંધાનમાં જીલ્લા ન્યાયાલય, નડીઆદ દ્વારા કુલ- 5000 થી વધુ નોટીસો ઈશ્યુ કરવામાં આવેલ છે, જેથી આ નોટીસ મળેથી નડીઆદમાં રૂરલ પોલીસ મથકે આવેલ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર ખાતે, ડાકોર પોલીસ સ્ટેશન ખાતે તથા કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે તા.21/06/2024 સુધીમાં કચેરી સમય દરમિયાન તથા તા.22/06/2024 નાં રોજ જીલ્લા ન્યાયાલય, નડીઆદ ખાતે યોજાનાર નેશનલ લોક અદાલતમાં પણ દંડની રકમ ભરપાઈ કરીને ઈ-ચલણ (મેમો)નાં નિકાલ કરી શકાશે.

આમ, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદ અને જીલ્લા પોલીસ ખેડા-નડીઆદ દ્વારા ઉપરોક્ત વિગતે ફક્ત દંડની રકમ ભરપાઈ કરી ઈ-ચલણ (મેમો)નો નિકાલ કરીને ભવિષ્યની આવનારી સખ્ત કાર્યવાહી તેમજ ખર્ચ અને મુશ્કેલીથી બચી શકાય છે જેથી વધુમાં વધુ ઈ-ચલણ (મેમો)માં દંડની રકમ ભરપાઈ કરીને નિકાલ કરવામાં આવે તેવી સૌને અપીલ કરવામાં આવેલ છે.