પંચમહાલ જીલ્લામાં મેઘરાજાએ હાથતાળી આપતા ત્રીજા રાઉન્ડના અંતે વરસાદ ખેંચાતા જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાં પૂરતો પાણીનો જથ્થો ઉપ્લબ્ધ બન્યો નથી ચાલુ વર્ષે અપુરતા વરસાદના કારણે ડેમ માત્ર બાવન ટકા જ ભરાયો છે. જેના કારણે સતત છેલ્લા ત્રણ વર્ષથી તેમજ હાલમાં પણ પાણી સંપૂર્ણ ન ભરતા એકપણ દરવાજો ખોલવામાં નહી આવીને કેનાલમાં છોડવામાં નહી આવતાં ડેમ આધારીત સિંચાઈને લઈ ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે.
ઓછા વરસાદના કારણે પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાં ચાલુ વર્ષે પાણીની આવક ખુબ જ ઓછી થવા પામી છે. છેલ્લા ત્રણ વર્ષથી તેમજ હાલમાં પણ પાનમ ડેમ સંપૂર્ણ ન ભરતા સિંચાઈને લઈ ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે. છેલ્લા 3 વર્ષથી જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદ ઓછો થવાથી પાનમ ડેમમાં પાણીની આવક ખુબજ ઓછી થતાં પાનમ ડેમ ભરાયો પણ નથી, જેના કારણે છેલ્લા 3 વર્ષથી પાનમ ડેમનાં એક પણ દરવાજો ખોલવામાં આવ્યો નથી. હાલ ડેમમાં સરેરાશ 50% જ પાણીની આવક થઇ છે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ડેમ સંપૂર્ણ ભરાયો ન હોવાથી ખેડૂતોને સિંચાઇનું પાણી પાનમ સિંચાઈ વિભાગ દ્વારા આપવામાં આવતું નથી. જેથી ખેડૂતોને નુકસાન થવા પામે છે.ત્યારે આગામી દિવસોમાં પાનમ ડેમ સંપૂર્ણ ભરાશે કે નહિ અને આગામી દિવસોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે કે નહીં તેની ચિંતામાં ખેડૂતો જોવા મળી રહ્યા છે. જોકે મોસમ વિભાગની આગાહી પ્રમાણે ત્રીજા રાઉન્ડના અંતે વરસાદે હાથતાળી આપતાં ખેંચાયો છે. આકાશમાંથી અગનગોળા રસાવતી ગર્મી વચ્ચે ખેતરોમાં પાણીની જરૂરીયાત વર્તાય રહી છે. તેવા સમયે પાનમડેમ અને તે આધારીત કેનાલોમાં પાણી નહી અપાતાં સિંચાઇ વિના પાકને બચાવવો ચિંતાનું કારણ બન્યો છે.
પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ જળાશયમાંથી સિચાંઇના પાણી થકી પંચમહાલ, મહીસાગર અને વડોદરા જિલ્લાના કુલ 5 તાલુકાના 132 ગામોની 36405 હેક્ટર જમીનમાં ખેતી થતી હતી. તેમજ પાનમ પાણી પુરવઠા જૂથ યોજના અંતર્ગત 5.3 મિલિયન ઘન મીટર પાણી પીવા માટે રખાયું છે. જેમાં કોઠા યોજનામાં 20 ગામો, પંચમહાલ (પંચામૃત ડેરી), ભુનિંદ્રા યોજના હેઠળ 54 ગામો અને શહેરા શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા 3 વર્ષથી ડેમના 10 દરવાજામાંથી એક પણ દરવાજો ખોલવામાં આવ્યો નથી.પાનમ ડેમના કેચમેટ વિસ્તારમાં ઓછા વરસાદના કારણે ડેમ સંપૂર્ણ ભરાતો ન હોવાથી દર વર્ષે ઓકટોબર માસ સુધી ડેમમાં પાણીની આવક આવતી હોવાથી ચાલુ વર્ષ 2.5 માસમાં જો ઉપરવાસમાં ભારે વરસાદ નહિ પડે તો ચાલુ વર્ષે પણ પાનમ જળાશય સંપુર્ણ ભરાઇ નહિ તો સિચાંઇના પાણી આપવામાં કંજૂસાઇ કરવી પડશે. પાનમ ડેમમાં પાણીની અછતને લઈને પાનમ કેનાલ આધારિત 36 હજાર હેકટર વિસ્તાર ના ખેડૂતોને સિંચાઇના પાણી વગર રહેવાનો વારો આવે છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા, કાલોલ અને સાવલી તાલુકાના છેવાડાના વિસ્તારો ના ખેડૂતો નર્મદાનું પાણી પાનમ કેનાલમાં આવપાવામાં આવે તેવી માંગ સરકાર પાસે કરી રહ્યા છે.
કેનાલ માટે મહામુલી જમીન આપનાર ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું
પાનમડેમ માંથી અંદાજીત 20 વર્ષ અગાઉ ગોધરા તાલુકાના ટીંબા અને આજુબાજુના ગામમાં ખેડૂતોને સિંચાઈ સુવિધા પૂરી પાડવા માટે મુખ્ય કેનાલ માંથી પેટા કેનલનું નિર્માણ કરાયું હતું જેથી આ વિસ્તારના દશ ગામના ખેડૂતોમાં ખૂબ ખુશી વ્યાપી હતી. પરંતુ ખેડૂતોની તમામ આશાઓ ઠગારી નીવડી અને સિંચાઈ વિભાગ દ્વારા આ વિસ્તારને ટેલ વિસ્તાર જાહેર કરી દેવાયો જેથી ખેતરો માં થઈ પસાર થતી કેનાલ શોભાના ગાંઠિયા સમાન બની બિસમાર હાલતમાં ફેરવાઈ ગઈ. બીજી તરફ અહીંથી નર્મદાની મુખ્ય કેનાલનું નિર્માણ કાર્ય શરૂ થયું અને જેમાં ખેડૂતોની મહામૂલી જમીન સંપાદિત કરવામાં આવી ત્યારે ખેડૂતોએ સહેજ પણ વિરોધ વિના પોતાની બચેલી અન્ય જમીનમાં સિંચાઈ માટે પાણી મળવાની આશાઓ સાથે સરકારે જે વળતર ચુકવ્યુંએ સ્વીકારી જમીન આપી દીધી હતી.પરંતુ અહીંના ખેડુતોની આ આશાઓ ઉપર પાણી ફરી વળ્યું અને સિંચાઈ માટે પાણી મળી શક્યું નહિ. બીજી તરફ અહીંના ખેડૂત પ્રતિનિધિઓએ સરકાર પાસે નર્મદા કેનાલ માંથી સિંચાઈ માટે પાણીની માંગણી કરતાં સંલગ્ન વિભાગે તેઓનો વિસ્તાર પાનમ કમાન્ડ એરિયામાં આવતો હોવાનું જણાવ્યું હતું જેથી ખેડૂતોએ પાનમ સિંચાઈ વિભાગે પોતાના વિસ્તાર ને ટેલ વિસ્તાર જાહેર કર્યો હોવાની હકીકતથી પુરાવા સાથે સરકારને રજુઆત કરી નર્મદા કેનાલ માંથી બક નળી વડે પાનમની પેટા કેનાલમાં પાણી આપવા માટે માંગણી કરી હતી જે માંગણી હજી પણ ટલ્લે ચઢેલી હાલતમાં જોવા મળી રહી છે.
પાનમ જળાશયને કોઇની નજર લાગી
પાનમ જળાશયને કોઇની નજર લાગી હોય તેમ છેલ્લા 3 વર્ષથી ડેમના 10 દરવાજામાંથી એક પણ દરવાજો ખોલવામાં આવ્યો નથી.પાનમ ડેમના કેચમેટ વિસ્તારમાં ઓછા વરસાદના કારણે ડેમ સંપૂર્ણ ભરાતો ન હોવાથી ડેમના દરવાજા છેલ્લા 3 વર્ષથી ખુલ્યા નથી.ડેમના ઉપરવાસ એવા લીમખેડા, ધાનપુર, બારીયા વિસ્તારમાં સારો વરસાદ પડતાં વર્ષ 2019 માં 600 મી.મી વરસાદ વરસ્તા ડેમ 100 ટકા ભરાયો હતો ત્યારે ડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા હતા. પણ ત્યાર બાદ વર્ષ 2020, 2021 તથા 2022 માં કેચમેટ વિસ્તારમાં સરેરાશ 380 મી.મી વરસાદ નોધાતા ડેમમાં 50 ટકા જેટલો જ ભરાવાથી ડેમના ગેટ 3 વર્ષથી ખુલ્યા નથી. ત્યારે ચાલુ વર્ષ ડેમમાં અત્યાર સુધી 500 મી.મી વરસાદ પડતાં હાલ ડેમ 52 ટકા ભરાયો છે.
નર્મદા અને પાનમની મુખ્ય કેનાલ વચ્ચે જોડાણ કરવા માંગ
ગોધરા તાલુકાના વાલૈયા, ઘુસર, હારેડા, વાવડી વિસ્તારના ખેડૂતો કે જેઓ પાનમ ડેમના વિસ્થાપિતો છે તેમને પણ પાનમ ડેમના પાણીનો લાભ મળી નથી રહ્યો. જે ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન પાનમ ડેમ બનાવવામાં આપી છે તે જ ખેડૂતોને પાનમ ડેમનું પાણી મળતું નથી. ત્યારે તેઓ માંગ કરી રહ્યા છે કે નર્મદાની મુખ્ય કેનાલ અને પાનમની મુખ્ય કેનાલ વચ્ચે જોડાણ કરીને નર્મદાનું પાણી પાનમ કેનાલમાં આપવામાં આવે તો ખેડતોને સિંચાઇનું પાણી મળી રહે તેમ છે.