- જીલ્લાના કુલ 1696 મતદાન બૂથ પર KYPS કેમ્પેઈન અંતર્ગત બી.એલ.ઓ દ્વારા મતદારોને મતદાન બૂથ સંદર્ભે જાણકારી આપવામાં આવી.
નડિયાદ,ખેડા જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા ખેડા જીલ્લાના મતદારોને લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મહત્તમ મતદાન કરવાની પ્રેરણા આપવામાં આવી રહી છે. ત્યારે જીલ્લાના મતદારોને તેમના મતદાન બૂથ વિષયક માહિતિ અને માર્ગદર્શન સરળતાથી ઉપલબ્ધ કરાવવા જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રવિવારે “Know Your Polling Station (KYPS) “કેમ્પેઈન યોજવામાં આવ્યું હતું. જેમાં નિયુક્ત બુથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ) દ્વારા મતદાન બૂથની મુલાકાત લેનાર મતદાતાઓને મતદાન મથકનું નામ, સ્થળ, વોટીંગ માટે માન્ય પુરાવા અને મળવાપાત્ર લધુતમ સુવિધાઓ વિશે જાણકારી આપવામાં આવી.
“Know Your Polling Station (KYPS) કેમ્પેઈન અંતર્ગત ખેડા જીલ્લાના તમામ 1696 મતદાન મથકો પર સવારના 09:00 કલાક થી 12:30 કલાક સુધી મતદારોએ મુલાકાત લીધી હતી. જેમાં પીજ ગામના પ્રથમ વખત મતદાન કરનાર 19 વર્ષીય શ્ર્વેતા નવીનભાઈ પરમાર પોતાના મતદાન મથકની મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાથી વાકેફ થયા હતા. શ્ર્વેતાએ 07મી મે ના રોજ મતદાન કરવા અને અન્ય લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.
સાથે જ, કણજરી ગામનાં મેઘાબેન મફતભાઈ પરમાર પણ કણજરી પ્રાથમિક શાળા સ્થિત મતદાન મથકની મુલાકાત લઈ મતદાતાઓને મળવાપાત્ર લધુતમ સુવિધાઓથી જાગૃત થયા હતા અને જીલ્લા વાસીઓને મતદાનની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં બૂથ લેવલ ઓફીસરઓ, સંબધિત કર્મચારીઓ સહિત મતદાતાઓ હાજર રહ્યા હતા.