જીલ્લામાં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ લેવલ મોનિટરીંગ કમિટીની બેઠક યોજાઈ

  • ખેડા જીલ્લામાં ચણા પાકની અંદર 647 અને રાયડા પાકની અંદર 379 ખેડૂતોએ નોંધણી કરી.

નડિયાદ, જીલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી સંદર્ભે ડિસ્ટ્રીક્ટ લેવલ મોનિટરીંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ ડિસ્ટ્રીક્ટ લેવલ મોનિટરીંગ કમિટીની દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી.

કમિટીના સભ્ય સચિવ અને જીલ્લા ખેતીવાડી અધિકારી દિપક રબારીએ આ કમીટીની ભૂમિકા વિશે ઉપસ્થિત સૌને સમજ આપી હતી. જીલ્લા કક્ષાની ડિસ્ટ્રીક્ટ લેવલ મોનિટરીંગ કમિટી જીલ્લામાં ટેકાના ભાવે તુવેર ચણા અને રાયડાની ખરીદી પ્રક્રિયાનું મોનેટરીંગ અને સુચારૂં વ્યવસ્થા જળવાઈ તે માટે કાયદાની વ્યવસ્થા જાળવણી કરે છે.

ખેડા જીલ્લામાં ચણા પાકની અંદર 647 અને રાયડા પાકની અંદર 379 ખેડૂતોએ નોંધણી કરેલ છે. ચણા 5440 રૂપિયા પ્રતી ક્વિન્ટલ અને રાયડા માટે 5650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવે ખરીદી માટેની પ્રક્રિયા ગુજકોમાસોલ દ્વારા એપીએમસી કપડવંજ ખાતે હાથ ધરવામાં આવશે.

આ બેઠકમાં ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ કમિટીમાં સભ્ય તરીકે જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી વસાવા, નિવાસી અધિક કલેક્ટર ભરત જોષી, જીલ્લા પુરવઠા અધિકારી અને નાયબ માહિતી નિયામક સહિત ડિસ્ટ્રીક્ટ લેવલ મોનિટરીંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.