- તા.27મી જુલાઈના રોજ સવારે 09 વાગ્યે ખેડા જીલ્લા સંસદ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે પ્રદર્શન.
ખેડા જીલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી કાર્યક્રમના અનુસંધાને ઉત્સાહનો માહોલ જોવા મળી રહેલ છે. ત્યારે નડિયાદ તાલુકાની જાણીતી સરકારી માધ્યમિક શાળા ગુતાલ ખાતે 27 જુલાઈના શનિવારે સવારે 09.00 કલાકે ભાવનગરના પૂર્વ સાંસદ તેમજ ભારતની આઝાદી માટે લડેલા ક્રાંતિકારી સરદારસિંહ રાણાના પ્રપૌત્ર રાજેન્દ્રસિંહ રાણા આવી રહ્યા છે. જેઓ મેડમ ભિખાઇજી કામા દ્વારા જર્મનીના સ્ટુટગાર્ટ ખાતે ફરકાવવામાં આવેલ ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજના દર્શન કરાવશે.
આ કાર્યક્રમમાં ખેડા જીલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ પણ ખાસ ઉપસ્થિત રહેશે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આર્ય ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ શાળામાં છેલ્લા છ વર્ષથી નિયમિત રીતે ચાલતી વ્યાખ્યાન માળાનો આ 42મો મણકો છે. જેનો આનંદ શાળાના આચાર્ય અને અન્ય સ્ટાફમિત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.