જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરા દ્વારા કોમર્સ કોલેજ ખાતે વ્યાખ્યાન યોજાયું

ગોધરા,તારીખ 9 એપ્રિલ એટલે “ઇન્ટરનેશનલ સેફ નેબરહુડ એન્ડ મધર હુડ ડે” આ દિવાસની ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજના એનએસએસ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરાના સચિવ – વિદ્વાન ન્યાયાધીશ ડી.સી.જાનીનું ઉપરોક્ત વિષય ઉપરાંત વિવિધ કાયદાઓ ખાસ કરીને ‘પોક્સો’ વિશે સરળ શબ્દોમાં રસપ્રદ માહિતી ઉપસ્થિત 100 જેટલા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. જાની સાહેબે વધુમાં જણાવ્યું હતું કે ” કાયદાનો ઢાલ તરીકે ઉપયોગ કરવો જોઈએ, હથિયાર તરીકે નહીં ” આ ઉપરાંત તેમણે સ્ત્રીઓની ધરપકડ સન્માનભેર તેમની માન મર્યાદા જળવાઈ રહે તે રીતે કરી શકાય તેની માહિતી પણ આપી હતી. ધરપકડ સૂર્યાસ્ત થી સૂર્યોદયની વચ્ચે થઈ શકે નહીં એટલે કે સૂર્યોદય થી સૂર્યાસ્તની વચ્ચે થવી જોઈએ એવી માહિતી પણ તેમને આપી હતી. આ ઉપરાંત આ પ્રસંગે પધારેલા સિનિયર એડવોકેટ જે.આર.કોન્ટ્રાક્ટર દ્વારા પણ કામના સ્થળે થતી જાતીય સતામણી અને જાતીય શોષણ વિષય પર સુંદર વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને વિવિધ કાયદાની માહિતી આપતા પેમ્ફલેટનું પણ વિતરણ કરાયું હતું

પ્રારંભમાં કોલેજના પ્રિન્સિપાલ અને એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડો. અરૂણસિંહ સોલંકી દ્વારા જજ સાહેબનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું અને કાયદાનું જ્ઞાન વિદ્યાર્થીઓને પીરસવા પધારવા બદલ જાની સાહેબ, એડવોકેટ કોન્ટ્રાક્ટર તથા સહાયક રવિભાઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એનએસએસ લીડર કુ. નિશિ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આભારવિધિ કોલેજના પ્રો. ડો. સ્નેહાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.