જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, નડીઆદ દ્વારા તા.14/09/2024 નાં રોજ નેશનલ લોક અદાલત આયોજીત થશે

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રિમ કોર્ટ, દિલ્હી દ્વારા લોક અદાલતના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાં આદેશાનુસાર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, નડીઆદનાં ચેરમેન અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ . એન એ. અંજારીઆના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ આગામી તા.14/09/2024 શનિવારના રોજ જીલ્લા ન્યાયાલય, નડીઆદ મુકામે આવેલ કોર્ટો સહિત ખેડા જીલ્લાના તમામ તાલુકા મથકે કાર્યરત તાલુકા કોર્ટો ખાતે નેશનલ લોક અદાલત યોજાશે.

આ નેશનલ લોક અદાલતમાં મોટર વાહન અકસ્માત વળતરના કેસો, સમાધાનલાયક ફોજદારી કેસો, દીવાની દાવાઓ, કામદારના વળતરનાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, ગ્રાહક સેવા તકરારની બાબતોના કેસો, વીજ કંપનીના કેસો, મોબાઈલ કંપની સાથે વિવાદના કેસો, મની સ્યુટ, બેંકના લેણા કેસો, દરખાસ્તના કેસો, NI ACT-138 (નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138ના ચેક રિટર્નના કેસો), લગ્ન સંબંધિત છૂટાછેડા, ખાધા-ખોરાકીને લગતા કેસો તથા બેંકના લોન (એન.પી.એ.) ખાતાઓની રિકવરી માટેનાં પ્રીલીટીગેશન કેસો સહિતના તમામ એવા કેસો કે જેમાં સમાધાન રાહે કેસોનો નિકાલ કરી શકાય તેવા કેસો હાથ ધરવામાં આવશે.

આ તા.14/09/2024 નાં રોજની નેશનલ લોક અદાલતમાં વધુમાં વધુ કેસોનો સમાધાન રાહે નિકાલ કરી શકાય તેવા ઉમદા હેતુસર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય નડીઆદના ફુલ ટાઈમ સેક્રેટરી ડી.બી. જોષીએ લોક અદાલતના લાભો વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકઅદાલત સમાજ માટે તકરાર નિવારણનો સુવર્ણ માર્ગ છે, લોક અદાલતમાં કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોને ઘરે દીવો પ્રગટે છે, લોક અદાલતમાં કેસોનો નિકાલ-ચુકાદો આખરી હોઈ અપીલની જોગવાઈ હોતી નથી, કોર્ટ ફીની રકમ પુરેપુરી રીફંડ પરત મળવાપાત્ર છે તથા અન્ય કોઈ ખર્ચ થતો નથી, જેથી જે અરજદારો, પક્ષકારો, વકીલઓ, વીમા કંપનીઓ, બેંકો, નાણાંકીય સંસ્થાઓ, વીજ કંપની તથા મોબાઈલ કંપનીઓ વિગેરે આ લોક અદાલતમાં ભાગ લેવા માંગતા હોય તેઓએ તેમની સંપૂર્ણ વિગતો સાથે જીલ્લા કક્ષાએ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય નડીઆદ ખાતે તથા તાલુકા કક્ષાએ જે તે સંબંધિત નામદાર કોર્ટનો સંપર્ક કરવા અપીલ કરી હતી જેથી વધુમાં વધુ કેસોનો સમાધાન રાહે નિકાલ કરીને લોક અદાલતના હેતુને ખરા અર્થમાં સાર્થક કરી શકાય.