- દાહોદમાં થયેલા ભારે વરસાદને કારણે થયેલા રસ્તાઓના નુકસાનની રિપેરીંગ, રીસરફેસીંગ, મેટલવર્કની થઈ કામગીરી
સમગ્ર દાહોદમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જયારે વરસાદે વિરામ લેતાં જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે હાથ ધરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં લોકોના પડી ગયેલ કાચા મકાનો, પશુઓ તેમજ અન્ય નુકસાનીનો સર્વે હાથ ધરી તેનું ચુકવણું પણ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના કારણે દાહોદ જિલ્લાના મોટાભાગના તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ તેમજ રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકસાન થવા પામ્યું હતું.રસ્તાઓના થયેલ નુકસાનના કારણે સ્થાનિકો તેમજ અન્ય નાગરિકોને પણ અવર – જવરની મુશ્કેલી ના પડે તે માટે દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ રિપેરીંગ તેમજ મેટલવર્કની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.
જેને ધ્યાને રાખી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના અંધારી કાંકરા ફળીયા, જેતપુર (દુ) ચોપાટમાલ્લી નાનામાલ મોટામલ, પરમારના ખાખરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી ચૈડીય વિસલંગા રોડ તેમજ ટીમ્બા નિશાળ ફળીયા રોડ જેવા સતત અવર – જવર રહેતી હોય તેવા રસ્તાઓની પેચવર્કની કામગીરી સંબંધિત અધિકારીઓની ટીમ દ્વારા ખડેપગે હાજર રહી પુર્ણ કરવામાં આવી છે. આમ, દાહોદ જિલ્લામાં આવેલ મુખ્ય માર્ગો, મુખ્ય રસ્તાઓ ઉપરાંત અન્ય રસ્તાઓ તેમજ તુટી ગયેલા નાળા તેમજ નાનામોટા પુલના રિપેરીંગની કામગીરી કરવામા આવી રહી છે.