જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પીવાના પાણીની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

નડીયાદ, જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે જીલ્લામાં પીવાના પાણીની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ. જેમાં ખેડા જીલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પીવાના પાણીના સ્ત્રોત, ગુણવત્તા, જથ્થો સહિત પાણી આપવાની કામગીરી સાથે સંકળાયેલ બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી અને જીલ્લાના તમામ સ્થળો પર પીવાના પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવવા જણાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે નર્મદા મેઈન કેનાલ, પરીએજ સિંચાઈ તળાવ યોજના, મહીસાગર નદી, નગરામા સિંચાઈ તળાવ, વનોડા સહિતની યોજનાઓ દ્વારા પાણી આપવાની કામગીરીની સમીક્ષા કરી હતી. વધુમાં, જીલ્લાની તમામ નગરપાલિકાઓની વસ્તી, પાણીના સ્ત્રોત, ગ્રાઉન્ડ વોટર, સરફેસ વોટર સહિતના મુદ્દાઓ પર જાણકારી લઈ પાણીની સમસ્યાઓ દૂર કરવા માર્ગદર્શન આપ્યું હતું.

ઉપરાંત, કલેકટરએ સંબંધિત અધિકારીઓને સંકલિત કામગીરી દ્વારા સ્થળ મુલાકાત કરી પાણીની ગુણવત્તા અને વ્યવસ્થાઓથી માહિતગાર થવા જણાવ્યું હતું. સાથે જ પાણીની સમસ્યાઓવાળા વિસ્તારમાં અગ્રીમતાથી કામગીરી કરવા અને વૈકલ્પિક વ્યવસ્થાઓ દ્વારા લોકોને પીવાનું સ્વચ્છ પાણી પૂરૂં પાડવા સૂચના આપી હતી.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી એસ. ડી. વસાવા, અધિક નિવાસી કલેકટર ભરત જોષી, પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરઓ, વાસ્મો, પાણી પુરવઠા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.