જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જીલ્લા કલેકટર કચેરી નડિયાદ ખાતે જીલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. બેઠક અંતર્ગત રોજગાર કચેરી દ્વારા કરવામાં આવેલ ભરતી મેળા, જોબ પ્લેસમેન્ટ, સ્થાનિક સ્વરોજગાર, પૂર્વ સંરક્ષણ દળ નિવાસી તાલીમ, કેરિયર કાઉન્સેલર, એપ્રેન્ટીસ ભરતી મેળો અને દિવ્યાંગ ભરતી મેળો સહિતની કામગીરીની સમીક્ષા કરી જીલ્લા કલેકટરએ જરૂરી માર્ગદર્શન આપ્યું. જીલ્લા કલેકટરએ ખાસ કરીને ખેડા જીલ્લાના યુવા દિવ્યાંગ ભાઈ બહેનોને નોકરી અપાવવા માટે ખાસ પહેલ કરવા સૂચના આપી.
બેઠક અંતર્ગત જીલ્લા રોજગાર અધિકારી મીનાક્ષી ચૌહાણ દ્વારા અપાયેલ માહિતી મુજબ ખેડા જીલ્લા રોજગાર કચેરી દ્વારા જાન્યુઆરી 2024 થી જૂન 2024 સુધીમાં અનુબંધન પોર્ટલ પર કુલ 1034 ઉમેદવારો નોંધાયા છે. કુલ 10 ભરતી મેળાના આયોજન દ્વારા અને વિવિધ નોકરી દાતાઓના સહયોગથી જીલ્લાના 952 યુવાઓને જોબ પ્લેસમેન્ટ આપવામાં આવ્યું છે. જેમાં જીલ્લાના અનુસૂચિત જાતિના કુલ 174 અને અનુસૂચિત જનજાતિના કુલ 24 યુવાઓને જોબ પ્લેસમેન્ટ અપાયું છે.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, જીલ્લા રોજગાર અધિકારી , જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર અધિકારી, આચાર્ય નોડલ આઇ.ટી.આઇ. પલાણા, શિક્ષણ અધિકારી , નાયબ નિયામક , અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અધિકારીઓ, ઔદ્યોગિક સ્વાસ્થ્ય સલામતી, મદદનીશ શ્રમ આયુક્ત, ડીઆરડીએ, સમાજ સુરક્ષા અધિકારી અને લીડ બેંક મેનેજરના પ્રતિનિધિ તથા બિન સરકારી સભ્ય તથા તેના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.