જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા-2024 કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

સ્વચ્છ ભારત મિશન હેઠળ ખેડા જીલ્લામાં આગામી 14 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા હી સેવા-2024 કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. જેના આયોજન બાબતે જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, નડિયાદ ખાતે બેઠક યોજાઈ. જેમાં, કલેકટરએ સ્વચ્છતા અને સફાઈ બાબતે કરવામાં આવનાર કામગીરી અંગે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

કલેકટર અમિત પ્રકાશ યાદવે ભારે વરસાદ અને કુદરતી આપદા દરમિયાન જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ બચાવ કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારે વરસાદ બાદની પરિસ્થિતિમાં સફાઈ કામગીરી ખૂબ જ મહત્વની છે. તેમણે સરકારી મિલકત અને મકાનોની આસપાસના કચરા અને પાણી ભરાવનો તાકીદે નિકાલ કરવા સૂચન કર્યું હતું. અમિત પ્રકાશ યાદવે ગણપતી વિસર્જન માટે એન્વાયરન્મેન્ટ ફ્રેન્ડલી વ્યવસ્થા ઊભી કરવા અને કોઈપણ પ્રકારની જાનહાની ના થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. સાથે જ માઈક્રો પ્લાનિંગ અને જન ભાગીદારી દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમને સફળ બનાવવા જણાવ્યું હતું.

જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક લલિત પટેલે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા હી સેવા-2024 અંતર્ગત ખેડા જીલ્લામાં સ્વચ્છતા કી ભાગીદારી, સંપૂર્ણ સ્વચ્છતા અને સફાઈ મિત્ર સુરક્ષા શિબિર હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સ્વચ્છતા સંકલ્પ, મેરેથોન્સ, સાયક્લોથોન્સ, માનવ સાંકળો, ગ્રામસભાઓ, યુથ કનેક્ટ, વેસ્ટ ટુ આર્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને જાહેર જગ્યાઓ, કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર પરિવહન, સંગ્રહાલય, જળાશયો, પ્રવાસન સ્થળો, ધાર્મિક અને આધ્યાત્મિક સ્થળો પર સફાઈ કરવામાં આવશે. તથા નલ સે જલ, સ્વચ્છ ભારત મીશન, પીએમ સૌભાગ્ય, પીએમ જન ધન, ઉજ્વલા, મિશન ઇન્દ્રધનુષ, પીએમ સુરક્ષા વીમા યોજના, પીએમ જીવન જ્યોત વીમા યોજના અને આયુષ્માન ભારત સહિતની વિવિધ યોજનાઓમાં નિવારક આરોગ્ય તપાસ અને સામાજીક સુરક્ષા કવરેજ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાશે.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામક લલિત પટેલ, પ્રાંત અધિકારીઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.