મહીસાગર, લોકસભાની સામાન્ય ચૂંટણીના અનુસંધાને જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર નેહા કુમારીના અધ્યક્ષસ્થાને જીલ્લા કલેકટર કચેરી સભાખંડ ખાતે વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે ચૂંટણી ખર્ચ અંગેના ભાવો નક્કી કરવા તથા આચારસંહિતા અમલીકરણ માર્ગદર્શન હેતુ બેઠક યોજાઈ હતી.
બેઠકમાં મતદાન મથકોની સંખ્યા, કાયદો અને વ્યવસ્થા, ઈવીએમ, હેલ્પલાઈનની વિગતો આપીને આદર્શ આચારસંહિતાના પાલન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સભા, સરઘસ, બેનરો, હોર્ડીંગ્સ, રેલીઓની મંજૂરીઓ અંગેની માહિતી આપી હતી.
ઉમેદવારે અલગથી બેંક એકાઉન્ટ ખોલવવું પડશે. રૂા.10 હજારથી વધુની રકમ ચેકથી ભરવી જેવી વિગતો તેમણે આપી હતી. આ ઉપરાંત ખર્ચના ભાવો નક્કી કરવા અંગે રાજકીય પક્ષોની કોઈ રજૂઆત હોય તો તેને ધ્યાને લઈ દરોમાં ફેરફારો કરવા અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.
બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર સી.વી.લટા, જીલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક સી.એન.ભાભોર, નાયબ જીલ્લા ચુંટણી અધિકારી એમ મનાત સહિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.