
- રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા નિહાળવામાં આવી.
- ખેડા જીલ્લામાં તા. 6 એપ્રિલના રોજ તમામ વિધાનસભા મતવિસ્તારોમાં ઇવીએમ મશીનની સોંપણી કરવામાં આવશે
લોકસભા સામાન્ય ચૂંટણી -2024નું મતદાન સમગ્ર ગુજરાત રાજ્યની સાથે ખેડા જીલ્લામાં પણ ત્રીજા તબક્કામાં આગામી મે મહિનાની 7મી તારીખે યોજાનાર છે. ત્યારે સમગ્ર ખેડા જીલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ઈવીએમ મશીનનું ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લાના ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આપ રાજકીય પાર્ટીના પ્રતિનિધીઓએ ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા પ્રત્યક્ષ નિહાળી હતી. અહીં બે વાર ઈવીએમ રેન્ડમાઈઝેશન કરી સમગ્ર પ્રક્રિયાને ફાઈનલાઈઝ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર અને ઈવીએમ નોડલ મનીષા બ્રહ્મભટ્ટે ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દરમિયાન જીલ્લાના દરેક વિધાનસભા મતવિસ્તારને તેના મતદાન મથકની સંખ્યાના 125% લેખે બેલટ યુનિટ, 125% લેખે ક્ધટ્રોલ યુનિટ અને 135% લેખે વીવીપેટ ફાળવણી વિશે જણાવ્યુ હતુ.
નોંધનીય છે કે તા.04/04/2024 થી તા.08/04/2024 દરમિયાન રાજ્યના તમામ જીલ્લાના જીલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં EVMનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવશે.
ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝ્ડ EVM ની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવશે. સાથે જ રેન્ડમાઇઝ્ડ EVMજીલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા તેઓના જીલ્લાના તમામ વિધાનસભા મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવશે. જેમાં ખેડા જીલ્લામાં તા. 6 એપ્રિલના રોજ જીલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં ઇવીએમ મશીનની સોંપણી કરવામાં આવશે.જ્યાં સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા EVMનો વિધાનસભા મત વિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ સંગ્રહ કરવામાં આવશે.
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર ભરત જોષી, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી કુસુમ પ્રજાપતિ, સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર અને ઈવીએમ નોડલ મનીષા બ્રહ્મભટ્ટ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, મદદનીશ ચૂંટણી અધિકારી અને ખેડા પ્રાંત અધિકારી અંચુ વિલ્સન, મદદનીશ ચૂંટણી અધિકારી અને નડિયાદ પ્રાંત અધિકારી કે.એસ. સુવેરા, મદદનીશ ચૂંટણી અધિકારી અને મહુધા પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, મદદનીશ ચૂંટણી અધિકારી અક્ષય પારધી સહિત ચૂંટણી શાખાના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.