- તમામ ઓબઝર્વર્સઓ દ્વારા ચૂંટણી સંબંધિત સૂચના સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું.
દાહોદ,લોકસભા સામાન્ય ચૂંટણી માટે દાહોદ ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં સરળતા રહે તે હેતુથી ચૂંટણી લક્ષી અનેક તાલીમ અને મિટિંગ યોજવામાં આવી રહી છે. જેના અનુસંધાને કલેકટર કચેરી ખાતે ખર્ચ નિરીક્ષણ, સિમ્બોલ ફાળવણી તથા આદર્શ આચાર સંહિતાના પાલન માટેની બેઠક યોજવામાં આવી હતી.
દાહોદમાં કલેકટર કચેરી ખાતે જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ ઉમેદવારોને સિમ્બોલ ફાળવણી તેમજ ખર્ચ નિયંત્રણ માટેની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ સી. ઈ. ઓ. તેમજ ઈ. સી. આઈ. ની વેબસાઈટની જાણકારી આપતાં તમામ ઓબઝર્વઓ તેમજ ઉમેદવારોની ઉપસ્થિતિમાં ઉમેદવારોને સિમ્બોલ ફાળવણી કરી હતી. વધુમાં ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કરવામાં આવતા ચૂંટણી ખર્ચ માટેની મહત્વની જાણકારી આપી હતી.
સિમ્બોલ ફાળવણીની આ બેઠકમાં 9 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય 3 માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષના સિમ્બોલ સિવાય અન્ય ઉમેદવારોને ગેસ સિલિન્ડર, નારિયેળનું ખેતર, દાંતી, ઘડો તેમજ શેરડીવાળા ખેડૂત જેવા સિમ્બોલ ફાળવવામાં આવ્યા હતાં.
ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી દરમ્યાન નક્કી કરાયેલ ચૂંટણી ખર્ચની વિગતોની વિસ્તૃત જાણકારી તેમજ ચૂંટણી સંબંધિત કાનૂની જોગવાઈઓ અંગે ચૂંટણી તંત્ર દ્વારા પી. પી. ટી. રજૂ કરી સમજાવવામાં આવી હતી. અલગ – અલગ ફોર્મ/રજીસ્ટરમાં ઉમેદવારોએ પોતાના દ્વારા ચૂંટણી માટે કરાયેલ ખર્ચના સમગ્ર હિસાબની નોંધ કરવાની રહેશે.
આ સાથે જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ જનરલ ઓબઝર્વર મોહમ્મદ અકબર વાની, પોલીસ ઓબઝર્વર નિવેદિતા કુકરેટી કુમાર તેમજ ખર્ચ ઓબઝર્વર શ્રેયસ કે.એમ દાહોદ જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ ચૂંટણી લક્ષી કામગીરીની સમીક્ષા કરી ટૂંકમાં માહિતી આપી હતી.
આ બેઠક નિમિત્તે જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે, તમામ ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ચૂંટણી લક્ષી દરેક કામગીરી પર વિડીયો તેમજ ફોટો ગ્રાફર દ્વારા નજર રાખવામાં આવશે જેથી સભા-સરઘસ, રેલી કે કોઈપણ કાર્યક્રમ ઈલેક્શન કમિશન દ્વારા અપાયેલ આચાર સંહિતાને વળગી નિયમસર કામગીરી કરવાની રહેશે.
ખર્ચ નિરીક્ષક શ્રેયસ કે. એમ. એ જણાવ્યું હતું કે, ચૂંટણી સંબંધિત કરવામાં આવનાર કોઈપણ પ્રકારના ચૂંટણી ખર્ચની જાણકારી જે-તે રજીસ્ટરમાં નોંધ કરી ચૂંટણી ખર્ચ સંબંધિત નોડલ અધિકારીને જાણ કરવાની રહેશે તેમજ તે જે – તે ઉમેદવારોના ચૂંટણી ખર્ચમાં ગણાશે.
ઉપરાંત પોલીસ નિરીક્ષક નિવેદિતા કુકરેટી કુમારે સૂચના આપતાં કહ્યું હતું કે, કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારે આચાર સંહિતાનો ભંગ થાય એવી જાણકારી મળે તો તાત્કાલિકપણે જાણ કરવી તેમજ ચુસ્ત પણે આચાર સંહિતાનું પાલન કરીને ચૂંટણી લક્ષી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠક દરમ્યાન જનરલ ઓબઝર્વર મોહમ્મદ અકબર વાની,પોલીસ ઓબઝર્વર નિવેદિતા કુકરેટી કુમાર, ખર્ચ નિરીક્ષક શ્રેયસ કે.એમ., જીલ્લા પોલીસ અધિક્ષક રાજદીપ ઝાલા, જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી હેતલ વસૈયા, મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી નિલાંજસા રાજપૂત, તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓ ,નોડલ અધિકારીઓ તેમજ હરીફ ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા