જીલ્લા અને તાલુકા કક્ષાએ શિક્ષકોને ’શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ’ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા

  • શિક્ષણને ફક્ત શિક્ષા આપવાના કાર્ય પૂરતું સીમિત ન રાખતા બાળકોમાં સંસ્કાર, કેળવણી અને ચારિત્ર નિર્માણ માટે પ્રયાસ કરવાનો સંદેશો આપતા ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ.

05 સપ્ટેમ્બર શિક્ષક દિવસ ઉજવણીના ભાગરૂપે ખેડા સાંસદ અને લોકસભા દંડક દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ડો.આંબેડકર હોલ, પીજ રોડ નડિયાદ ખાતે શ્રેષ્ઠ શિક્ષક વિતરણ સમારોહ યોજાયો. જેમાં, જીલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પસંદગી પામેલા શિક્ષકોનું ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ’ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું.

જીલ્લાકક્ષા એવોર્ડ માટે કપડવંજ તાલુકાની પ્રાથમિક શાળા ગરોડના શિક્ષક પન્નાબેન ભુલાભાઈ પરમાર અને બ્લોક રિસોર્ટ સેન્ટર શાળાના બીઆરસી કોર્ડીનેટર કંદર્પકુમાર મનોજકુમાર જોશીનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ માટે પ્રાથમિક શાળા હાથનોલીના કીરનાબેન રમણભાઈ પટેલ, પ્રાથમિક શાળા માસરાના નવીનભાઈ બકોરભાઈ પટેલ, પ્રાથમિક શાળા દેવા કુમારના પ્રવીણભાઈ હીરાભાઈ પ્રજાપતિ, પ્રાથમિક શાળા સૂંઢાના વૈભવકુમાર રમેશચંદ્ર ઉપાધ્યાય, પ્રાથમિક શાળા કાકલિયાના કેતનકુમાર ઇમાનુએલ ક્રિશ્ચિયન, પ્રાથમિક શાળા વાંઘરોલીના શિક્ષક કમલેશકુમાર બાપુલાલ ઉપાધ્યાય અને પ્રાથમિક શાળા સંધાણાના શિક્ષક દીપા લલિતકુમાર સેંગાલને પ્રમાણપત્ર અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ આજે પ્રાથમિક શાળા વાવડીના શિક્ષક હિરેનકુમાર હસમુખભાઈ શર્માને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી થઈ છે.

શિક્ષક દિવસની તમામને શુભેચ્છા આપતા સાંસદ દેવુસિંહ ચૌહાણે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ થી સન્માનિત થયેલા શિક્ષકોને અભિનંદન આપ્યા હતા અને તેમને હવેથી શિક્ષણ જગતમાં રોલ મોડલની ભૂમિકા નિભાવવાનું સૂચન કર્યું હતું. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરી સાંસદએ જણાવ્યું કે, આજે આપણે સાચા અર્થમાં શિક્ષણની પ્રતિભાઓનું સન્માન કર્યું છે.

શિક્ષણને ફક્ત શિક્ષા આપવાના કાર્ય પૂરતું સીમિત ન રાખતા બાળકોમાં સંસ્કાર, કેળવણી અને ચારિત્ર નિર્માણ માટે પ્રયાસ કરવાનો સંદેશો સાંસદએ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં ગુરૂને પરમેશ્ર્વરની સમકક્ષ માનવામાં આવે છે. આજે ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ક્રાંતિના નવા યુગમાં શિક્ષકોની ભૂમિકા બદલાઈ છે. એક શિક્ષકે તેના વાણી, વર્તન, ભણાવવાની પદ્ધતિ સહિતના સમગ્ર શૈક્ષણિક અભિગમને ઉચ્ચકક્ષાનો બનાવવા તેમણે વિનંતી કરી હતી.

જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવાએ જણાવ્યું હતું કે, સમાજ શિક્ષકો પાસેથી સામાજીક પરિવર્તનની અપેક્ષા રાખે છે. તેમણે શિક્ષકોને જીલ્લામાં કુપોષણ, બાળવિવાહ જેવા સામાજીક દૂષણ અને પર્યાવરણીય પ્રદૂષણ જેવા સ્થાનિક મુદ્દાઓમાં પ્રગતિશીલ કાર્ય કરી જાગૃતિ લાવવા માટે અપીલ કરી હતી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડ્યાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી સમાજમાં રહેલી બદીઓના નિર્મૂલન માટે શિક્ષકોને હાકલ કરી હતી.

જીલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ અને પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશ વાઘેલાએ પ્રાસંગિક ઉદબોદન કરી શિક્ષક દિવસની તમામને શુભેચ્છાઓ આપી હતી.

કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ સરકારની વિવિધ શૈક્ષણિક મેરીટ સ્કોલરશીપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ખેડા સાંસદ અને લોકસભાના દંડક દેવુસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડ્યા, જીલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશ વાઘેલા, શિક્ષકો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.