જીલ્લા આરોગ્ય તંત્ર અને એન.ડી.દેસાઈ મેડીકલ કોલેજ નડિયાદના સંયુક્ત ઉપક્રમે એન.ડી.દેસાઈ મેડીકલ કોલેજ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ (તા. 01 થી 07 ઓગસ્ટ) અન્વયે જીલ્લા કક્ષાનો વર્ક શોપ યોજાયો.
આ વર્ક શોપમાં જીલ્લા આરોગ્ય વિભાગમાંથી આર.સી.એચ.ઓ ડો.એ.એ પઠાન, એ.ડી.એચ.ઓ , ડો. શાલીની ભાટિયા, ડી.ટી.ઓ ડો. દિનેશ બારોટ અને એન.ડી.દેસાઈ મેડીકલ કોલેજ નડિયાદ તરફથી ડો.સંદીપ પાઠક પીડીયાટ્રીક હેડ, ડો.ચિંતન ઉપાધ્યાય ગાયનેક હેડ ઉપસ્થિત રહી સ્તનપાન સપ્તાહ દરમિયાન કરવાની કામગીરી તથા વિષય વસ્તુની અગત્યતા વિશે વિસ્તૃત સમજ આપેલ હતી.આ વર્કશોપમાં તાલુકા હેલ્થ ઓફીસર તથા મેડીકલ ઓફીસર હાજર રહેલ હતા.
અત્રે ઉલ્લેખનીય છે,કે સમગ્ર સપ્તાહ દરમિયાન તાલુકા લેવલની એસ.બી.સી.સી ટીમ તથા પ્રા.આ કેન્દ્ર લેવલની એસ.બી.સી.સી ટીમ થકી સ્તનપાન અંગેની ખોટી માન્યતાઓ દુર કરી સ્તનપાન વિશેના ફાયદા અંગે વર્તનમાં પરિવર્તન લાવી શિશુઓના પોષણમાં વધુ સુધારો અને માનસિક, શારીરિક સ્વાસ્થ્યમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ જોવા મળશે.
દર વર્ષે વિશ્ર્વ સ્તનપાન સપ્તાહની 1 થી 7 ઓગસ્ટ સુધી ઉજવણી કરવામાં આવે છે. જેમાં સ્તનપાન સંબંધિત જાગૃતિ લાવવા અને પગલાં લેવા માટે ખાસ કરીને જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન, 6 મહિના સુધી ફક્ત ને ફક્ત સ્તનપાન જ કરાવવું, પાણી પણ ન આપવું અને બાળકના 6 મહિના પૂરા થાય કે તરત ઉંમર પ્રમાણે ઉપરનો આહાર શરૂ કરવો અને બે વર્ષ કે તેથી વધુ સ્તનપાન ચાલુ રાખવું જેવી ત્રણ બાબતોની ભલામણ કરવામાં આવેલ છે. જેથી બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઈ શકે જેના કારણે ઘણા બાળકોનું જીવન બચાવી શકાય તે માટે એ એક વૈશ્ર્વિક અભિયાન છે.
વર્ષ 2024-25 માં “CLOSING THE GAP : BREASTFEEDING SUPPORT FOR ALL ” થીમ નક્કી કરવામાં આવી છે. આ કામગીરીમાં ICDS, સમાજકલ્યાણ વિભાગ, પંચાયતવિભાગ, સ્વ-સહાય જૂથ સાથે આંતરવિભાગીય સંકલન કરવામાં આવશે તથા NGOનો પણ સહકાર લેવામાં આવશે.