
જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તા. 30 ઓગષ્ટ થી 13 સપ્ટે સુધી વાહકજન્ય રોગ નિયંત્રણ માટે ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી રહેલ છે. જેમાં રાષ્ટ્રીય વાહકજન્ય રોગચાળા નિયંત્રણ કાર્યકમ અંતર્ગત ઘરે-ઘરે ફરીને તાવના કેસો શોધવા અને મચ્છર નાબુદી માટેના વિવિધ ઉપાયો માટે અંદાજે 300 થી વધુ મલ્ટીપરપઝ આરોગ્ય કર્મચારી અને 1800 થી વધુ આશા બહેનો દ્વારા ખાસ સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહેલ છે.
આ ઝુંબેશ હેઠળ 3.5 લાખ થી વધુ ઘરોની 17 લાખથી વધુ વસ્તીને સર્વે હેઠળ આવરી લેવામાં આવી છે. જેમાં 7793 લોકોને તાવની પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. જયારે 6399 લોકોના લોહીના નમૂનાની મેલેરીયા માટે પરિક્ષણ કરવામાં આવેલ છે. જેમાં એકપણ મેલેરીયાનો કેસ જાહેર થયેલ નથી.
મચ્છરની ઉત્પતિ જેમાં થાય છે, તેવા 10,86,842 વપરાશના પાણીના પાત્રો તપાસવામાં આવેલ છે. જેમાં 7,399 પાત્રોમાં પોરાની હાજરી જોવા મળેલ હતી. જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવેલ છે. 9,91,394 પાત્રોમાં એબેટ કામગીરી કરવામાં આવેલ છે.
ઘર બહારની પ્રવૃતિઓમાં 1304 સ્થળે ઓઇલ કોટન દડીનો ઉપયોગ, જયારે 660 સ્થળોએ ડાયફલ્યુબેજૂરોન દવાનો છંટકાવ કરવામાં આવેલ છે. 28 જેટલા બારમાસી તળાવોમાં પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવેલ છે. 266 જેટલા ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવેલ છે. આરોગ્ય કર્મચારી દ્વારા વાહકજન્યરોગોથી બચવા માટે આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવી રહ્યુ છે. સાથે જ, મચ્છરથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ અવશ્ય કરવો, વપરાશના પાણીના પાત્રો હંમેશા ઢાંકીને રાખવા, અઠવાડીયામાં એકવાર તમામ પાત્રો ખાલી કરી ઘસીને સાફ કરવા, તાવ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્રનો અથવા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો વગેરે સુઝાવો અપનાવવા જીલ્લા આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.