રાજકોટ,
રાજકોટ જિલ્લાના જેતલસરના ચકચારી સગીરાની હત્યા કેસમાં જેતપૂર કોર્ટ આરોપી જયેશ સરવૈયાન ૧૩ માર્ચે સોમવારના રોજ અંતિમ ચુકાદો સંભળાવશે. જેતપૂર કોર્ટે આજે બંન્ને પક્ષોની દલીલ સાંભળી હતી. આ કેસના સ્પેશિયલ પીપીએ આ કેસને નિર્ભયાના કેસ સાથે સરખાવીને આરોપીને ફાંસીની સજા આપવા સુધીના આકરી સજા કરવાની કોર્ટ સમક્ષ માંગ કરી છે. બીજી તરફ બચાવ પક્ષના વકીલે આ કેસમાં આરોપીની ઉંમર નાની હોવાથી તેને ઓછી સજા સંભળાવવામાં આવે તેવી માંગ કરી છે. જો કે કોર્ટ ૧૩ માર્ચે પોતાનો આખરી ચુકાદો સંભળાવશે.
જેતલસર સગીરા હત્યા કેસમાં આરોપીને આકરી સજાની માંગ સાથે ખાસ સરકારી વકીલ જનક પટેલે કોર્ટમાં દલીલ કરતા કહ્યું હતું કે, આ કેસ દિલ્હીના નિર્ભયા કેસ કરતા પણ ગંભીર છે. આરોપી જયેશ સરવૈયાએ આ પૂર્વ આયોજિક કાવતરું રચીને હત્યા કરી છે. આરોપીએ પહેલા ચોટીલાથી છરીની ખરીદી કરી હતી અને બાદમાં જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ૩૪ જેટલા છરીના ઘા ઝીંક્યા હતા. આરોપીએ ક્રુરતાથી સગીરાની હત્યા કરી દીધી હતી અને તેના ભાઇને પણ મારવાની કોશિશ કરી હતી, ત્યારે આ આરોપીને ફાંસી સુધીની ગંભીર સજા સંભળાવવામાં આવે તેવી માંગ કરી છે.
આ અંગે બચાવ પક્ષના વકીલ નિલેશ પંડ્યાએ કહ્યું હતું કે, આરોપીએ જે કૃત્ય કર્યુ ત્યારબાદ તેના પરિવારને હિજરત કરવી પડી છે. તેના માતા પિતા ભિક્ષાવૃતિ કરવા માટે મજબૂર બન્યા છે. આરોપીની ઉંમર હાલ નાની છે. તેથી સજાના મામલામાં તેના પર રહેમ રાખવામાં આવે અને ઓછામાં ઓછી સજા કરવામાં આવે તેવી માંગ કરી છે.
આજે કોર્ટની તારીખ હતી ત્યારે સગીરાના પરિવારજનો પણ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. સગીરાના માતાએ અશ્રુભીની આંખ સાથે કહ્યું હતું કે જે રીતે મારી દિકરીની હત્યા કરી તે જ રીતે આ નરાધમને પણ ફાંસીની સજા થવી જોઇએ. ૧૬ માર્ચ ૨૦૨૧ના રોજ જેતલસર ગામમાં સગીરા અને તેનો ભાઇ ઘરે હતા, ત્યારે જયેશ સરવૈયા ઘરે આવી પહોંચ્યો હતો અને છરીના ઉપરાછાપરી ૩૪ જેટલા ઘા ઝીંકી દીધા હતા. સગીરાનો ભાઇ વચ્ચે આવતા તેના પર પણ છરી વડે હુમલો કર્યો હતો. આ કેસના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. સરકાર દ્વારા એસપી કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં એસઆઇટીની રચના કરવામાં આવી હતી અને કેસની તટસ્થ અને ઝડપી તપાસ કરીને આરોપી સામે પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા.