- નવેમ્બર ૨૦૨૩માં ઈડીએ ગોયલની પત્ની અનિતાની પણ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી.
મુંબઇ, જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલની પત્ની અનિતા ગોયલનું મુંબઈમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. સારવાર દરમિયાન તેમણે ગુરુવારે સવારે ૩ વાગ્યે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનિતા ગોયલના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં કરવામાં આવ્યા હતાં ૬ મેના રોજ, બોમ્બે હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં નરેશ ગોયલને તબીબી અને માનવીય આધાર પર ૨ મહિનાના વચગાળાના જામીન આપ્યા હતા. ગોયલ પરિવારમાં અનિતા ગોયલ પછી તેમના પતિ અને બે બાળકો નમ્રતા અને નિવાન ગોયલ છે. નરેશ ગોયલ પણ કેન્સરથી પીડિત છે.
અનિતા ગોયલ જેટ એરવેઝની કામગીરી સાથે સંકળાયેલા હતા અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ હતા. ૨૦૧૫માં તે નોન-એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ બન્યા હતા, પરંતુ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં રહ્યા હતા. આ વર્ષે ૧૪ જાન્યુઆરીએ સ્પેશિયલ કોર્ટે નરેશ ગોયલને તેમની બીમાર પત્નીને મળવાની મંજૂરી આપી હતી. આ ફોટો આર્થર રોડ જેલમાંથી બહાર આવતા નરેશ ગોયલનો છે. નવેમ્બર ૨૦૨૩માં ઈડીએ ગોયલની પત્ની અનિતાની પણ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. જો કે, તેની ઉંમર અને તબિયતના આધારે કોર્ટે તેને તાત્કાલિક જામીન આપી દીધા હતા.
આ વર્ષે ૬ જાન્યુઆરીએ, તેની જામીન અરજીની સુનાવણી દરમિયાન, ગોયલ મુંબઈની પીએલએમએ વિશેષ કોર્ટમાં રડવા લાગ્યા. પછી તેમણે કોર્ટને કહ્યું, ’મેં જીવનની આશા ગુમાવી દીધી છે. મારી તબિયત બહુ બગડી ગઈ છે. સારુ થશે કે જેલમાં મરી જાઉ. હું મારી પત્નીને ખૂબ મિસ કરું છું.
જેટ એરવેઝ એક સમયે ભારતની સૌથી મોટી ખાનગી એરલાઇન્સમાંની એક હતી અને દક્ષિણ એશિયાના દેશોમાં સૌથી મોટી ખાનગી એરલાઇનનો દરજ્જો ધરાવતી હતી. પછી, દેવાના બોજને કારણે, જેટ એરવેઝને ૧૭ એપ્રિલ ૨૦૧૯ના રોજ ગ્રાઉન્ડેડ (ઓપરેશન બંધ) કરવામાં આવ્યું હતું. તે સમયે જેટ એરવેઝ પર કેનેરા બેંક પાસેથી ૫૩૮.૬૨ કરોડ રૂપિયાની લોન બાકી હતી. જેટ એરવેઝે ૮૪૮.૮૬ કરોડની ક્રેડિટ લિમિટ અને લોન લીધી હતી. ત્રણ વર્ષ પછી, ૨૦૨૧માં, કેનેરા બેંકે આરોપ મૂક્યો હતો કે જેટ એરવેઝના ફોરેન્સિક ઓડિટમાં જાણવા મળ્યું હતું કે જેટે તેની સંકળાયેલ કંપનીઓને ૧,૪૧૦.૪૧ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડવા માટે આવું કરવામાં આવ્યું હતું. ગોયલ પરિવાર પર આરોપ હતો કે તેઓ તેમના તમામ અંગત ખર્ચાઓ, જેમ કે સ્ટાફના પગાર, ફોન બિલ અને વાહન ખર્ચ બધુ જેટ એરવેઝના ખાતામાંથી કરતા હતા.