જેઓ ભારતીય સત્તાવાળાઓ દ્વારા વોન્ટેડ છે, તેઓએ અહીં આવીને કાયદાનો સામનો કરવો જોઈએ,વિદેશ મંત્રાલય

નવીદિલ્હી, છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનમાં ’અજ્ઞાત બંદૂકધારીઓ’ દ્વારા ઘણા વોન્ટેડ આતંકવાદીઓ માર્યા ગયા છે. પહેલીવાર ભારતીય વિદેશ મંત્રાલયે આ હત્યાઓ પર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે જેઓ ભારતીય સત્તાવાળાઓ દ્વારા વોન્ટેડ છે, તેઓએ અહીં આવીને કાયદાનો સામનો કરવો જોઈએ.

આ તરફ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, જે લોકો ભારતમાં ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે વોન્ટેડ છે, અમે ઈચ્છીએ છીએ કે તેઓ ભારત આવે અને અમારી કાયદાકીય વ્યવસ્થાનો સામનો કરે, પરંતુ હું પાકિસ્તાનમાં થઈ રહેલી ઘટનાઓ પર ટિપ્પણી કરી શક્તો નથી.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં બીએસએફ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ના કાફલા પર હુમલાની માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હંજાલા અદનાનને તાજેતરમાં પાકિસ્તાનના કરાચીમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા માર્યો ગયો હતો. . હંજલા અદનાનને ૨ અને ૩ ડિસેમ્બરની મધ્યરાત્રીએ તેના ઘરની બહાર ગોળી મારી દેવામાં આવી હતી.

આ તરફ જ્યારે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા ૧૩ ડિસેમ્બરે અથવા તે પહેલાં સંસદ પર હુમલો કરવાની ધમકી વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત હંમેશા ધમકીઓને ગંભીરતાથી લે છે. જોકે વિદેશ મંત્રાલયે કહ્યું કે, તેઓ ’ઉગ્રવાદીઓ છે જેઓ આવી ધમકીઓ આપે છે. અમે તેમને પ્રમોટ કરવા કે ક્રેડિટ આપવા માંગતા નથી.

આ સાથે અરિંદમ બાગચીએ કહ્યું, અમે ધમકીઓને ગંભીરતાથી લઈએ છીએ. હું ધમકીઓ આપતા ઉગ્રવાદીઓને પ્રોત્સાહિત કરવા કે તેમને વધુ મહત્વ આપવા માંગતો નથી. અમે યુએસ અને કેનેડિયન સત્તાવાળાઓ સમક્ષ આ મામલો ઉઠાવ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ક્તારમાં આઠ ભારતીયોને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે દાખલ કરવામાં આવેલી અપીલ વિશે પણ વાત કરી અને કહ્યું કે, ભારત આ કેસ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને તમામ કાયદાકીય અને કોન્સ્યુલર સહાય પૂરી પાડી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું, તે દરમિયાન ૩ ડિસેમ્બરે જેલમાં તમામ ૮ લોકોને મળવા અમારા રાજદૂતને કોન્સ્યુલર એક્સેસ મળી. આ એક સંવેદનશીલ મુદ્દો છે, પરંતુ અમે નિયમોનું પાલન કરવાનું ચાલુ રાખીશું અને અમારાથી જે થઈ શકે તે શેર કરીશું.

નોંધનિય છે કે, આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનમાં આ રીતે આતંકીઓને નિશાન બનાવવામાં આવ્યા હોય. આ પહેલા મુતી કૈસર ફારૂક, ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પંજવાડ, એજાઝ અહમદ અહંગર, બશીર અહમદ પીર જેવા ઘણા આતંકવાદીઓ પણ અજાણ્યા હુમલાખોરો દ્વારા માર્યા ગયા હતા. એટલું જ નહીં તાજેતરમાં મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતીફની હત્યા કરવામાં આવી હતી. લતીફની સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. લતીફ ૨૦૧૬માં પઠાણ કોટ એરફોર્સ સ્ટેશન પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.