પાટણ,
૨૦૨૨ ની ચૂંટણીમાં ઉમેદવારો મતદારો પાસેથી વોટ માંગવાને બદલે વિવાદાસ્પદ નિવેદનોને કારણે વધુ ચર્ચાઈ રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકોરના માહોલમાં ગરમાવો આવી રહ્યો છે. અનેક જગ્યાએ ઉમેદવારો વચ્ચે તણખા ઝરી રહ્યા છે. દરમિયાન ગુજરાતની કેટલીક સીટ પર તો ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. આવામાં પાટણમાં ભાજપના એક સ્થાનિક નેતાનું વિવાદીત નિવેદન સામે આવ્યું છે. પાલિકા કોર્પોરેટર અને ભાજપ પૂર્વ શહેર પ્રમુખ મનોજ પટેલે મંદિર અને મસ્જિદને લઈને નિવેદન આપ્યું છે.
પાટણમાં ભાજપ ઉમેદવાર ડો.રાજુલ દેસાઇની ચૂંટણી સભામાં મનોજ પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જેને મંદિર બનાવવું હોય તે ભાજપમા રહે અને જેને મસ્જિદ બનાવવુ હોય તે કોંગ્રેસમાં જાય. આમ, ૨૦૨૨ ની ચૂંટણીમાં ફરી એકવાર હિન્દુ-મુસ્લિમ મુદ્દો ઉઠ્યો છે. હાલ સોશિયલ મીડિયા પર મનોજ પટેલનું મંદિર મસ્જિદ મામલે વિવાદિત નિવેદન વાયરલ થયું છે. તો બીજી તરફ, ઉમરેઠના ભાજપનાં ઉમેદવારનાં પુત્રએ મુસ્લિમ યુવકની ટોપી ઉતારી લીધી હોવાનો કિસ્સો બન્યો છે. ઉમરેઠ વિધાનસભા ભાજપના ઉમેદવારના પ્રચારમાં મુસ્લિમ યુવકની ટોપી ઉતારી લેવાઈ છે. ભાજપના ઉમેદવાર ગોવિંદ પરમારના પ્રચારમાં મુસ્લિમ યુવક જોડાયો હતો. ત્યારે ઉમેદવારના પુત્રએ મુસ્લિમ યુવકની ટોપી ઉતારી લીધી હતી. ત્યારે હાલ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, આ વીડિયો કયા ગામનો છે તેની પૃષ્ટિ થઈ શકી નથી. પરંતું વાયરલ વીડિયો ઓડ ગામનો હોવાનું ચર્ચાય છે.