જે વેચાઈ ચૂક્યા છે તેના પર હવે વિશ્વાસ નથી’: જ્યોતિરાદિત્ય સિંધિયાના ’વેલકમ’ પર રાહુલ ગાંધીના પ્રહાર

ભોપાલ,

કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા જેઓ એક સમયે કોંગ્રેસના સાથી રહી ચૂકેલા અને હવે તેઓ ભાજપના છે. તેમણે મય પ્રદેશ પહોંચેલી ભારત જોડો યાત્રા માટે ’સ્વાગત’ ટ્વીટ કર્યું હતું. રાહુલ ગાંધીએ એક દિવસ બાદ સિંધિયાના ટ્વીટનો જવાબ આપ્યો. તેમણે સોમવારે આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ જેઓ ’વેચાઈ ગયા છે’ તેમના પર હવે વિશ્વાસ ન કરવો જોઈએ.

રાહુલ ગાંધીની આ ટિપ્પણી એક પ્રેસ કોન્ફરન્સમાં આવી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારને તોડી પાડનારાઓ માટે દરવાજા ખુલ્લા રહેશે? યાત્રાના ઉજ્જૈન પહોંચવાના એક દિવસ પહેલા રાહુલે કહ્યું કે, આ સવાલ કોંગ્રેસ અધ્યક્ષ અને પાર્ટીના મધ્યપ્રદેશ નેતૃત્વને પૂછવો જોઈએ. મારું મંતવ્ય છે કે, જેમને પૈસા આપીને ખરીદવામાં આવ્યા છે તેમના પર વિશ્વાસ ન કરવો જોઈએ.

એવું માનવામાં આવે છે કે, રાહુલે આ ટિપ્પણી જ્યોતિરાદિત્ય સિંધિયા માટે કરી છે જેઓ એક સમયે તેમના નજીક હતા. સિંધિયાએ કોંગ્રેસ સામે બળવો કર્યો હતો અને કમલનાથની આગેવાની હેઠળની સરકારને તોડવા માટે ઘણા ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા હતા. સિંધિયાની ફરિયાદ હતી કે, તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા નથી જ્યારે કમલનાથ પોતાનામાં સત્તા કેન્દ્રિત કરી રહ્યા છે.

જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે, શું તેઓ ફરીથી અમેઠીથી ચૂંટણી લડશે, જ્યાં તેઓ ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં બીજેપીના સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ બધા યાત્રાના મુખ્ય વિચારથી વિમુખ કરવાના પ્રયત્નો છે. તેમણે કહ્યું કે, ’હું મીડિયાને કોઈ હેડલાઈન આપવા માંગતો નથી કારણ કે, અત્યારે મારું યાન યાત્રા પર છે. તમે ઈચ્છો છો કે કાલે અખબારો કહે કે, કાં તો રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે અથવા તો રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી રહ્યા નથી. પરંતુ હું ઈચ્છું છું કે, અખબારો ભારત જોડો યાત્રા પાછળના વિચાર વિશે લખે.