જે રીતે નવાબ મલિકનું અપમાન કરવામાં આવ્યું છે તે ખોટું છે,સુપ્રિયા સુલે

મુંબઇ, એનસીપી કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે પાર્ટી મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકનું અપમાન કરી રહી છે. સુપ્રિયા સુલેએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપે અજિત પવાર જૂથને ફસાવી દીધું છે. સુપ્રિયા સુલેએ ભાજપને ’ભ્રષ્ટ જુમલા પાર્ટી’ ગણાવી હતી. સુપ્રિયા સુલેનું આ નિવેદન રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના પત્ર પછી આવ્યું છે, જે ફડણવીસે અજિત પવારને લખ્યો હતો. જેના જવાબમાં સુપ્રિયા સુલેએ કહ્યું કે, ’મેં પત્ર વાંચ્યો છે અને જે રીતે નવાબ મલિકનું અપમાન કરવામાં આવ્યું છે તે ખોટું છે.’

જણાવી દઈએ કે ૭ ડિસેમ્બરના રોજ એનસીપી નેતા નવાબ મલિક વિધાનસભાના શિયાળુ સત્રમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેઓ વિધાનસભામાં સત્તા પક્ષના અજિત પવાર જૂથના ધારાસભ્યો સાથે બેઠા હતા. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે નવાબ મલિક અજિત પવારના જૂથમાં સામેલ થવા જઈ રહ્યા છે. આ અટકળો વચ્ચે રાજ્યના ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના બીજા ડેપ્યુટી સીએમ અને એનસીપી જૂથના નેતા અજિત પવારને પત્ર લખ્યો છે. આ પત્રમાં ફડણવીસે સલાહ આપી છે કે અજિત પવાર નવાબ મલિકને પોતાની પાર્ટીમાં સામેલ ન કરે.

ફડણવીસે લખ્યું- ’કોણ તમારી પાર્ટીમાં જોડાશે અને કોણ નહીં તે નક્કી કરવાનો તમારો અધિકાર છે, પરંતુ મને લાગે છે કે નવાબ મલિકાને પાર્ટીમાં સામેલ કરવાથી ગઠબંધનને નુક્સાન થઈ શકે છે. નવાબ મલિક મહાવિકાસ આઘાડી સરકારમાં મંત્રી હતા અને ધરપકડ છતાં મંત્રી રહ્યા, પરંતુ અમારું ગઠબંધન મહાવિકાસ આઘાડી જેવું નથી. ફડણવીસે પત્રમાં લખ્યું છે કે ’નવાબ મલિક ધારાસભ્ય છે અને વિધાનસભા સત્રમાં હાજરી આપવી તેમનો અધિકાર છે. અમારી કોઈની સાથે અંગત દુશ્મની નથી, પરંતુ અમે નવાબ મલિકને ગઠબંધનમાં સામેલ કરવાનો વિરોધ કરીશું.

તમને જણાવી દઈએ કે ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ નવાબ મલિકની ધરપકડ કરી હતી. મલિક પર મુંબઈમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સાથે કથિત રીતે નાણાંની લેવડ-દેવડ કરવાનો આરોપ છે. નવાબ મલિક પર દાઉદ ઈબ્રાહિમ ગેંગની જમીનો સસ્તા ભાવે ખરીદવાનો આરોપ છે. નવાબ મલિક ૧૮ મહિના સુધી જેલમાં રહ્યા અને ૨૩ ઓગસ્ટે જ સુપ્રીમ કોર્ટે ખરાબ સ્વાસ્થ્યના આધારે તેમને જામીન આપ્યા.