જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ લોકો મન કરતા આત્માનું સાંભળે તો ભ્રષ્ટાચાર ન થાય,વજુભાઇ વાળા

  • ગુજરાતમાં આજકાલથી નહીં વર્ષોથી ભ્રષ્ટાચાર થાય છે. પૈસા આપ્યાં વિના કોઈ કામ થતું નથી,કોંગ્રેસના પ્રવકતા

ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા હંમેશા પોતાના રમુજી અને આખા બોલા સ્વભાવને કારણે જાણીતા રહ્યાં છે. તેઓ ગુજરાત સરકારમાં પણ લાંબા સમય સુધી નાણાં મંત્રી રહ્યાં અને ત્યાર બાદ ગુજરાત વિધાનસભાના અયક્ષ પદે પણ રહ્યાં. વજુભાઈ વાળા હંમેશાથી પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યાં છે.

વજુભાઈના નિવેદનોમાં ગોળગોળ વાતો નહીં, પણ એકદમ સ્પષ્ટ અને સટીક જવાબ મળશે. એમનો વર્ષોથી જ અનુઠો અંદાજ આજે પણ અકબંધ છે. એ જ કારણ છેકે, આજે પણ તેઓ એક્ટિવ પોલિટિક્સમાં ના હોવાને કારણે પણ ચર્ચામાં આવ્યાં છે. આ વખતે વજુભાઈ વાળા ચર્ચામાં આવ્યાં તેનું કારણ જુદું છે. જોકે, ફરી એકવાર વજુભાઈ વાળું નિવેદન હાલ ચર્ચા જગાવી રહ્યું છે. એટલું જ નહીં વજુભાઈનું આ નિવેદન હાલ વાયુવેગે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

આજે યોગ દિવસ પર પૂર્વ રાજ્યપાલની ટકોર આવી ચર્ચામાં છે. મહત્વનું છે કે, રાજકોટ ગેમઝોન આગકાંડ પર રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ અધિકારી મનસુખ સાગઠિયા અને ફાયર ઓફિસર બી. જે. ઠેબા સામે આવક કરતા વધુ સંપતિ મામલે એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત ભાજપના પીઢ નેતાએ ભ્રષ્ટઅધિકારીઓની કાઢી જાટકણી. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈવાળાએ ભ્રષ્ટ અધિકારીઓ પર ટકોર કરી છે. વજુભાઈવાળાએ જણાવ્યુંકે, ધનની જેટલી જરૂરિયાત હોય એટલું જ કમાવવું જોઈએ. જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ લોકો મન કરતા આત્માનું સાંભળે તો ભ્રષ્ટાચાર ન થાય.

તમે જે કોઈ કૃત્ય કરો છો તેનાથી તમારા શરીરમાંથી તમને આત્મા જવાબ આપતો હોય છે. કોઈપણ કામ કરતા પહેલાં તમને આત્માનો અવાજ સંભાળાય છેકે, હું આ કામ કરું કે ન કરું. મન એમ થાય કે ફલાણાના હું પૈસા લઈ લઉં કે ન લઉં. ગામ આખું લે છે તો આપણે પણ લઈ લ્યો ને…એની બુદ્ધિ એમ કહેતી હોય છે. દરેક વ્યક્તિનો આત્મા ક્યારેય ખોટું કરવાનું કહેતો નથી. દરેક વ્યક્તિએ પોતાના આત્માનો અવાજ જીવનમાં ઉતારવાની જરૂર છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્ત ડો.મનીષ દોશીએ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાના ભ્રષ્ટ અધિકારીઓ અંગેના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. મનીશ દોશીએ જણાવ્યુંકે, ગુજરાતમાં આજકાલથી નહીં વર્ષોથી ભ્રષ્ટાચાર થાય છે. પૈસા આપ્યાં વિના કોઈ કામ થતું નથી. સરકાર ખાલી નામની જ છે બાકી આખા તંત્રમાં અધિકારી રાજ ચાલે છે. આખી સરકાર આ અધિકારી રાજમાં ભ્રષ્ટાચારમાં ગરકાવ છે. સામાન્ય માણસે સાચા કામ માટે પણ ઉપરથી પૈસા આપવા પડે છે.