બોલિવૃડના ખ્યાતનામ આર્ટ ડિરેકટર અને એનડી સ્ટુડિયોના માલિક નીતિન દેસાઈએ કરેલા આપઘાત બાદ એક પછી એક અનેક ચોંકાવનારા ખુલાસા થવા માંડયા છે 180 કરોડના દેવાનો ભાર સહન કરી રહેલા નીતિન દેસાઈએ સ્ટુડિયાની હરાજી રોકવા કોર્ટમાં કરેલી અરજી કોર્ટે ફગાવી દીધા બાદ હતાશ થઈ અંતિમ પગલું ભર્યાનો ખુલાસો થયો છે.
આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈના અવસાનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમજ રાજકીય જગતના અનેક લોકોને આઘાત લાગ્યો છે. દરેક વ્યક્તિ માને છે કે નીતિન દેસાઈએ પોતાનો જીવ આપીને ઘણું ખોટું પગલું ભર્યું હતું. નીતિન દેસાઈના આત્મહત્યા કેસમાં હવે મહત્વની માહિતી સામે આવી છે. હકીકતમાં સૂત્રોનું માનીએ તો નીતિન દેસાઈએ નીલામી રોકવા માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ અરજી ફગાવી દીધા બાદ તેણે મોડી રાત્રે આ પગલું ભર્યું હતું.
હકીકતમાં 1 ઓગસ્ટના રોજ નીતિન દેસાઈ દિલ્હી ગયા હતા. ત્યાં તેણે દિલ્હીમાં એનસીએલટી કોર્ટની બેન્ચ સમક્ષ અપીલ કરી હતી. મુંબઈ એનસીએલટી કોર્ટે આપેલા વધુ કાનૂની કાર્યવાહીના આદેશ બાદ આ અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ દિલ્હી એનસીએલટી કોર્ટે બોમ્બે કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો અને નીતિન દેસાઈની અપીલ અરજીને ફગાવી દીધી હતી. 1 ઓગસ્ટના રોજ કોર્ટમાંથી અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ નીતિન દેસાઈ મોડી રાત્રે મુંબઈ પરત ફર્યા હતા અને એનડી સ્ટુડિયોમાં ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.
નીતિન દેસાઈએ એક ફાઈનાન્સ કંપની પાસેથી 180 કરોડની લોન લીધી હતી જે હવે વધીને વ્યાજ સાથે 250 કરોડ થઈ ગઈ છે. એડલવાઈસ કંપની આ લોનની વસૂલાત માટે સતત પ્રયાસ કરી રહી હતી. એડલવાઈસે લોનની વસૂલાત માટે એનસીએલટી કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ પરિણામની નકલ રાયગઢ કલેક્ટરને સોંપવામાં આવી હતી. આ નકલમાં લખવામાં આવ્યું હતું કે એનડી સ્ટુડિયોની જમીન જે નીતિન દેસાઈએ લોન લેતી વખતે ગીરો મુકી હતી તેનો કબજો લઈ લોનની વસૂલાત કરવી જોઈએ.
લાલબાગના રાજાને અંતિમ શ્રદ્ધાંજલિ આપતી વખતે નીતિન દેસાઈએ ઓડિયો ક્લિપમાં મહારાષ્ટ્ર સરકારને ભાવનાત્મક અપીલ કરી છે. જેમાં નીતિન દેસાઈએ કહ્યું છે કે મેં આ સ્ટુડિયો ઘણી મહેનત અને ઘણાં સપનાઓ સાથે બનાવ્યો છે. મેં જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને અને તેને પાર કરીને આ સ્ટુડિયો પૂર્ણ કર્યો છે. જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, સફળતા અને નિષ્ફળતા આવી, મેં બધી મુશ્કેલીઓનો સામનો કર્યો. આ સ્ટુડિયો મારા જીવનની સૌથી મોટી સંપત્તિ છે.