
પ્રતાપગઢ, સપા અધ્યક્ષ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપને આ વખતે લોક્સભા ચૂંટણીમાં પાઠ ભણાવીશું. ૨૦૧૪માં જે આવ્યા હતા તે ૨૦૨૪માં ચાલ્યા જશે. યુપીથી આવ્યા હતા યુપીની બહાર ચાલ્યા જશે. ઇન્ડિયાની સાથે મળીને પીડીએ એનડીએને હરાવવાનું કામ કરશે.
આપ નેતા સંજય સિંહના ઘરે ઈડીના દરોડા અને ધરપકડના સવાલ પર અખિલેશે કહ્યું કે, મને એ વાતનું દુ:ખ છે કે, સરકારને એવું લાગે છે કે, જે પણ તેમની વિરુદ્ધ છે તેમની ધરપકડ કરાવી લો. પહેલા પત્રકારોની ધરપકડ કરાવી અને પછી આપ નેતાની ધરપકડ કરવામાં આવી. ભાજપે એ સમજી લેવું જોઈએ કે, આ વખતે ૧૦૦ કરોડ લોકો તેમની વિરુદ્ધ છે. આ વખતે ઇન્ડિયા આ ભાજપનો સફાયો કરશે. ઈડી, સીબીઆઇ અને આઇટી ભાજપના સંગઠનનો ભાગ છે તેથી ડરવાની જરૂર નથી.
અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપ સરકાર ગભરાઈને સત્તા અને તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. વિરોધ પક્ષોના નેતાઓને બદનામ કરવા અને પરેશાન કરવા માટે તેનો ઉપયોગ કરી રહી છે. એજન્સીઓની કાર્યવાહીમાં આ ગતિ એમ જ નથી આવી. તેમણે એમ પણ કહ્યું કે, સત્ય ઉજાગર કરવા પર પત્રકારો પણ સરકારના ઉત્પીડનનો શિકાર બનશે. અખિલેશ યાદવે આગળ કહ્યું કે ભાજપ સરકારમાં વીજળીના મીટર ઝડપી ચાલી રહ્યા છે અને મોંઘવારી ચરમસીમા પર છે. ખેડૂતોની આવક બમણી થઈ નથી. જનતા આવી સરકારને હટાવીને જ રહેશે.