નવીદિલ્હી,પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ JDU રાષ્ટ્રીય અધ્યક્ષ રામચંદ્ર પ્રસાદ સિંહ આજે જનતા દળ યુનાઇટેડ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આરસીપી સિંહ આજે બપોરે નવી દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે અમે આરસીપી સિંહનું ભાજપમાં ઔપચારિક સ્વાગત કરીએ છીએ. હવે તે મોદીજી અને નડ્ડા જીના નેતૃત્વમાં ભાજપમાં કામ કરશે.
નીતિશ કુમારના એક સમયના પ્રિય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહ ભાજપમાં જોડાયા છે. જ્યાં એક તરફ નીતીશ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને મળવા આવ્યા હતા, ત્યાં આરસીપી સિંહ દિલ્હીમાં ભાજપમાં ગયા હતા. જનતા દળ-યુનાઈટેડના ભૂતપૂર્વ નેતા રામચંદ્ર પ્રસાદ સિંહ ઉર્ફે આરસીપી સિંહ, જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રી પરિષદના સભ્ય હતા, આજે ભાજપ મુખ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં ભગવા પાર્ટીમાં જોડાયા હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પાર્ટીના મહાસચિવ અરુણ સિંહ અને રાજ્યસભાના સભ્ય અનિલ બલુની પણ હાજર હતા.
એક સમયે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની ખૂબ નજીક રહેલા આરસીપી સિંહે ગયા વર્ષે ઓગસ્ટમાં જેડીયુમાંથી રાજીનામું આપી દીધું હતું. ભાજપ સાથે તેમની નિકટતાને કારણે JDUએ તેમને ફરીથી રાજ્યસભામાં પણ મોકલ્યા ન હતા. આ પછી તેમને કેન્દ્રીય મંત્રી પદ પણ ગુમાવવું પડ્યું હતું. જ્યારથી જેડીયુ છોડ્યું ત્યારથી આરસીપી સિંહ બીજેપીમાં સામેલ થવાની અટકળો લગાવવામાં આવી રહી હતી. તે કુર્મી સમુદાયમાંથી આવે છે. કુર્મી મતદારોને નીતિશ કુમારના સમર્થક માનવામાં આવે છે કારણ કે તેઓ પોતે આ સમુદાયના છે.
નોકરશાહમાંથી રાજનેતા બનેલા સિંહને જેડીયુએ રાજ્યસભામાં બીજા કાર્યકાળ માટે ઇનકાર કર્યા બાદ તેમનું મંત્રી પદ છોડવું પડ્યું હતું. તે દરમિયાન આરસીપી સિંહે નીતિશ પર પ્રહાર કરતા કહ્યું કે નીતિશ કુમાર સાત જન્મમાં પણ વડાપ્રધાન નથી બની શક્તા.
આરસીપી સિંહ ભાજપમાં જોડાયા હોવાના અહેવાલો વચ્ચે, બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે આજે મુંબઈમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. જદયુના વડા નીતિશ કુમાર ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી સામે મજબૂત ગઠબંધન બનાવવા માટે વિપક્ષી નેતાઓને મળી રહ્યા છે.