જેડીયુ અને ટીડીપી માત્ર એવા નેતાને સમર્થન આપશે જેને ભાજપ આગળ કરશે,કેસી ત્યાગી

દેશની ૧૮મી સંસદના સભ્યોની પસંદગી કરવામાં આવી છે. સભ્યોએ તેમના પ્રતિનિધિને પણ ચૂંટ્યા છે અને એનડીએ ગઠબંધન સત્તામાં આવ્યું છે. હવે સંસદમાં નવા સાંસદોની શપથવિધિ અને લોક્સભા અયક્ષની પસંદગી થવાની બાકી છે. સંસદમાં લોક્સભા અયક્ષનું પદ ખૂબ મહત્વનું છે. આ કારણથી તમામ પક્ષો ઈચ્છે છે કે લોક્સભામાં સ્પીકર તેમની પાર્ટીનો હોવો જોઈએ. એનડીએ સરકારની રચના પહેલા એવા અહેવાલો હતા કે તેલુગુ દેશમ પાર્ટી પોતાની પાર્ટીના એક નેતાને લોક્સભા સ્પીકર બનાવવા માંગે છે. આ પછી કોંગ્રેસે એમ પણ કહ્યું કે, લોક્સભા સ્પીકર ભારતીય જનતા પાર્ટીનો નહીં, પરંતુ કોઈ સહયોગી પક્ષનો હોવો જોઈએ.

હવે જનતા દળ યુનાઈટેડના નેતા કેસી ત્યાગીએ સ્પષ્ટ કર્યું છે કે લોક્સભા સ્પીકર તે નેતા હશે જેનું નામ ભાજપ દ્વારા આગળ મૂકવામાં આવશે. જ્યારે દિલ્હીમાં લોક્સભા સ્પીકરની પસંદગી વિશે પૂછવામાં આવ્યું ત્યારે જેડીયુના પ્રવક્તાએ કહ્યું, ટીડીપી અને જેડીયુ એનડીએ સાથે છે. ભાજપ જેને નિયુક્ત કરશે અમે તેને સમર્થન આપીશું.

લોક્સભામાં બહુમતી માટે ૨૭૨ બેઠકો જરૂરી છે અને ભારતીય જનતા પાર્ટી પાસે ૨૪૦ બેઠકો છે. આવી સ્થિતિમાં ભાજપને સરકાર બનાવવા માટે એનડીએ ગઠબંધનના સહયોગીઓની જરૂર હતી. એનડીએના તમામ સહયોગીઓએ ટેકો આપ્યો અને ૨૯૦ થી વધુ સાંસદોના સમર્થન સાથે ભાજપે સરકાર બનાવવાનો દાવો કર્યો. જો કે આ સરકારમાં ૧૨ જેડીયુ અને ૧૬ ટીડીપી સાંસદોનું સમર્થન ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ બંને પક્ષો સમર્થન પાછું ખેંચે છે તો ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર પડી શકે છે. જો કે, કેસી ત્યાગીના નિવેદનથી સ્પષ્ટ છે કે એનડીએ ગઠબંધન મજબૂત રીતે એકજૂથ છે અને માત્ર ભારતીય જનતા પાર્ટી જ નક્કી કરશે કે લોક્સભાના સ્પીકર કોણ હશે.