જેડીએસ ભાજપ સાથે ગઠબંધન નહીં કરે : દેવેગૌડા

નવીદિલ્હી, પૂર્વ પીએમ અને જેડીએસ ચીફ એચડી દેવગૌડાએ આવતા વર્ષે યોજાનારી લોક્સભા ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે. દેવેગૌડાએ કહ્યું કે જનતા દળ (સેક્યુલર) ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી સ્વતંત્ર રીતે લડશે.

આ સાથે દેવેગૌડાએ એનડીએ સાથે ચૂંટણી ગઠબંધનનો પણ ઇનકાર કરી દીધો છે. દેવેગૌડાએ એમ પણ કહ્યું છે કે જેડી(એસ) કાર્યર્ક્તાઓ સાથે ચર્ચા કર્યા પછી જ લોક્સભાની ચૂંટણીમાં એવા વિસ્તારોમાં જ ઉમેદવારો ઉભા કરશે જ્યાં પાર્ટી મજબૂત છે. તેમણે કહ્યું કે જેડી(એસ) લોક્સભા ચૂંટણી એકલા હાથે લડશે.

દેવેગૌડાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે અમારી પાર્ટી પાંચ, છ, ત્રણ, બે કે એક સીટ જીતે તો પણ અમે સ્વતંત્ર રીતે લોક્સભા ચૂંટણી લડીશું. અમારા કાર્યર્ક્તાઓની સલાહ લીધા બાદ અમે તે જ જગ્યાઓ પર ઉમેદવારો ઉભા કરીશું જ્યાં અમે મજબૂત છીએ.

અગાઉ, દેવેગૌડાના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેમની પાર્ટી વિવિધ મુદ્દાઓ પર કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ભાજપ સાથે કામ કરશે. તેમના નિવેદન બાદ જ જેડીએસ અને ભાજપ વચ્ચે ગઠબંધનની અટકળોએ વેગ પકડ્યો હતો.

આ ઉપરાંત ભાજપના ૧૦ ધારાસભ્યોને અભદ્ર અને અપમાનજનક વર્તન બદલ ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ જેડીએસ અને ભાજપ બંને ધારાસભ્યોએ વિધાનસભા સત્રનો બહિષ્કાર કર્યો હતો.