જયસ્વાલ સહિત પ્રથમ વખત ૬ ભારતીય ખેલાડીઓ ટી૨૦ વર્લ્ડ કપમાં રમશે

મુંબઇ, નવી દિલ્હી. ભારતીય ક્રિકેટ ટીમ કયા ૧૫ ખેલાડીઓ સાથે વર્લ્ડ કપ રમવા જશે તેની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત થનારા ટી ૨૦ વર્લ્ડ કપ માટે ૨૧ મેના રોજ યુએસ જવા રવાના થશે. ભારતીય પસંદગીકારોએ કેટલાક આકરા નિર્ણયો લીધા છે. ૧ થી ૨૯ જૂન સુધી રમાનારા ટી ૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ ૫ જૂને આયર્લેન્ડ સામે રમશે. આ મેચ અમેરિકામાં રમાશે. કેટલાક અન્ય સ્ટાર ખેલાડીઓ જેમ કે શુભમન ગિલ, કેએલ રાહુલ અને રિંકુ સિંહને પડતો મૂકવામાં આવ્યો હતો. ૬ ખેલાડીઓ એવા છે જેઓ પ્રથમ વખત ટી ૨૦ વર્લ્ડ કપમાં રમશે.

યુવા ડાબોડી ઓપનર યશસ્વી જયસ્વાલે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ટેસ્ટમાં પ્રથમ પસંદગીનો ઓપનર છે. ટી ૨૦ વર્લ્ડ કપમાં તેને શુભમન ગિલ કરતાં પ્રાથમિક્તા મળી છે. ઓગસ્ટ ૨૦૨૩માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ કરનાર જયસ્વાલે અત્યાર સુધીમાં ૧૭ ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે એક સદી અને ૪ અડધી સદી સાથે ૫૦૨ રન બનાવ્યા છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ ૧૬૧.૪૩ હતો. જયસ્વાલ માટે આઈપીએલની આ સિઝન સારી રહી છે. જયસ્વાલ પ્રથમ વખત વર્લ્ડ કપ રમવા જઈ રહ્યો છે. કોઈપણ ફોર્મેટમાં આ તેનો પહેલો વર્લ્ડ કપ છે.

ઓલરાઉન્ડર શિવમ દુબેનું બેટ આ દિવસોમાં આઇપીએલમાં ઘણા રન બનાવી રહ્યું છે. શિવમ છેલ્લી બે આઇપીએલ સિઝનથી સીએસકે માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે. ૨૦૧૯માં ટી ૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર શિવમને પ્રથમ વખત ટી ૨૦ વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શિવમે ભારત માટે ૨૧ ટી ૨૦ મેચોની ૧૪ ઇનિંગ્સમાં ૧૪૫.૨૬ના સ્ટ્રાઇક રેટથી ૨૭૬ રન બનાવ્યા છે, જેમાં ૩ અડધી સદી સામેલ છે. તેણે પોતાની મીડિયમ પેસ બોલિંગથી ૮ વિકેટ પણ લીધી છે. દુબે જાન્યુઆરી ૨૦૨૪માં અફઘાનિસ્તાન સામેની દ્વિપક્ષીય શ્રેણીમાં ટીમનો ભાગ હતો. તેણે ત્રણ ઇનિંગ્સમાં સૌથી વધુ ૧૨૪ રન બનાવ્યા હતા.આઇપીએલ ૨૦૨૪માં તેનું ફોર્મ બેજોડ રહ્યું છે. તેણે ૧૭૨.૪૧ના સ્ટ્રાઈક રેટથી ૩૫૦ રન બનાવ્યા છે. તે પ્રથમ વખત ટી ૨૦ વર્લ્ડ કપમાં રમશે.

આઇપીએલની આ સિઝનમાં સંજુ સેમસનને તેના શાનદાર પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન વર્લ્ડ કપ ટીમમાં સામેલ થવાને લાયક હતો. છેલ્લા કેટલાક સમયથી દિનેશ કાતકના કારણે જગક પોતાની ટીમમાં ફોર્મ મેળવી શક્તો ન હતો. પરંતુ વર્તમાન આઈપીએલમાં ૧૬૧ના સ્ટ્રાઈક રેટથી ૩૮૫ રન બનાવનાર સંજુને આ વખતે પસંદગીકારોએ અવગણ્યા નથી. સંજુ પ્રથમ વખત વર્લ્ડ કપમાં રમશે. તેણે ૨૫ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોની ૨૨ ઇનિંગ્સમાં ૩૭૪ રન બનાવ્યા છે.ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ગત વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ હતો. જો કે તે પ્રથમ વખત ટી ૨૦ વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે. તેણે અત્યાર સુધીમાં ૧૦ ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી છે જેમાં તેણે ૧૨ વિકેટ પોતાના નામે કરી છે.આઇપીએલની આ સિઝનમાં આરસીબી તરફથી રમતા સિરાજનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. આવી સ્થિતિમાં ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાં તેના સમાવેશને લઈને શંકા હતી. તેણે આ આઇપીએલ સિઝનમાં ૯ મેચમાં ૬ વિકેટ લીધી છે. આમ છતાં પસંદગીકારોએ તેના પર વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે. અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ૨૦૧૬માં ટી ૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ અત્યાર સુધી તે આ ફોર્મેટના વર્લ્ડ કપમાં રમી શક્યો નથી.