શ્રીનગર : જે પ્રકારે ઉત્તરપ્રદેશમાં ધાર્મિક ભેદભાવ કરીને એક શિક્ષિકાએ વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ પાસે માર મરાવ્યો હતો એ રીતે જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં પણ ધાર્મિક ભેદભાવ કરીને બ્લેક બોર્ડ પર ’જય શ્રી રામ’ લખવા બદલ શિક્ષકે ધોરણ ૧૦ના એક વિદ્યાર્થીને માર માર્યો હતો. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે તો બીજી તરફ વહીવટી તંત્રએ શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો હોવાનું જાણવા મળે છે.
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં બ્લેક બોર્ડ પર ’જય શ્રી રામ’ લખવા બદલ ૧૦મા ધોરણના વિદ્યાર્થીને માર મારવાના મામલામાં વહીવટીતંત્રે કડક કાર્યવાહી કરી છે. એક તરફ પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. બીજી તરફ વહીવટીતંત્રે શાળાના આચાર્ય અને શિક્ષક બંનેને સસ્પેન્ડ કરી દીધા છે. જોકે આ કેસમાં આચાર્ય હજુ ફરાર છે.
સ્કૂલના બ્લેક બોર્ડ પર ’જય શ્રી રામ’ લખવા બદલ મુસ્લિમ શિક્ષકે હિંદુ વિદ્યાર્થીને એટલો માર માર્યો હતો કે તેની હાલત ખરાબ થઈ ગઈ અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
આ કેસમાં આરોપીઓની ઓળખ શાળાના આચાર્ય મોહમ્મદ હાફીઝ અને શિક્ષક ફારૂક અહેમદ તરીકે કરવામાં આવી છે. બંને સામે આઈપીસી કલમ ૩૨૩ (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી), ૩૪૨ (ખોટી રીતે કેદ), ૫૦૪ (ઈરાદાપૂર્વક અપમાન) અને ૫૦૬ (ગુનાહિત ધાકધમકી), અને જુવેનાઈલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમની કલમ ૭૫(બાળકો પ્રત્યે ક્રૂરતા)નો આરોપ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ મામલે કડક વલણ અપનાવતા વહીવટીતંત્રે આજે બંને શિક્ષકોને સસ્પેન્ડ કરી દીધા હતા. જમ્મુ અને કાશ્મીરના શાળા શિક્ષણ વિભાગ દ્વારા એક સૂચના જારી કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કઠુઆ જિલ્લાના બાનીમાં એસએસએસ સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક ડૉ. મોહમ્મદ ફારૂક અને પ્રિન્સિપાલ મોહમ્મદ હાફિઝને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ૧૦મા ધોરણના એક વિદ્યાર્થીને શિક્ષકે બ્લેકબોર્ડ પર ’જય શ્રી રામ’ લખવા પર એટલી હદે માર માર્યો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે હોસ્પિટલમાં પીડિત વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે. કઠુઆના ડેપ્યુટી કમિશનર રાકેશ મિન્હાસે ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે.