જય જગન્નાથ…..જય જગન્નાથ …..જય જગન્નાથના જય ઘોષ થી આખું નગર ગુંજી ઉઠયું

  • ઝાલોદ નગરમાં આન બાન શાન થી જગન્નાથ ભગવાનની સાતમી રથયાત્રા નીકળી : ભક્તોનુ ઘોડાપુર ઉમટી પડયુ.ં
  • દાહોદ જીલ્લા એસ.પી રાજદીપ ઝાલા, ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ, ગુજરાત રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ વિભાગના વાઇસ કમિશનર હિતેશ રાવત દ્વારા રથને હંકારવામા આવ્યું.
  • રથયાત્રા સાથે નીકળેલ ભગવાનની વિવિધ ઝાંખી તેમજ અખાડાએ નગરમાં અનેરૂં આકર્ષણ ઉભું કર્યું.
  • ભગવાન જગન્નાથના મોસાળ ગીતામંદિર ખાતે સર્વ ભક્તોનું સ્વાગત કરાયું તેમજ મહાપ્રસાદનુ સુંદર આયોજન કરવામાં આવ્યું.
  • ગીતા મંદિર ખાતે મોસાળ વિધિના યજમાન દાહોદ જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા મામેરૂં ભરવામાં આવ્યું.

જગતના તાત એવા ભગવાન જગન્નાથજીની સાતમી રથયાત્રા ઝાલોદ નગરમાં આન બાન શાન થી નીકળી હતી. આ રથયાત્રા રવિવારના રોજ આસ્થાભેર વાતાવરણમાં નીકળી હતી. આ રથયાત્રા નગરમાં આવેલ રણછોડરાય મંદિર મુવાડા થી નીકળી હતી. આ રથયાત્રા નીકળતા પહેલા ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના રણછોડરાય મંદિરે થી સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિદ્વાન આચાર્યો દ્વારા કરવામાં આવી હતી, તેમજ આ પૂજા વિધિ તેમજ આરતીનો લાભ નગરના અનેક લોકોએ લીધો હતો. રથયાત્રાની પહીંદ વિધિ (રથ પ્રસ્થાન વિધિ) પરમાર જયપ્રકાશ જયંતિભાઇ દ્વારા કરવામાં આવેલ હતી તેમજ દાહોદ જીલ્લા એસ.પી રાજદીપ ઝાલા, ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ, ગુજરાત રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ વિભાગના વાઇસ કમિશનર હિતેશ રાવત દ્વારા રથને હંકારવામા આવેલ હતુ.

રથમાં સવાર થઈ ભાગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલરામ મુવાડા નિજ નિવાસ રણછોડરાય મંદિરે થી નગર ચર્યા કરવા નીકળ્યા હતા. જગતના તાત એવા જગન્નાથ ભગવાનના રથને ખેંચવાનો લ્હાવો નગરના દરેક લોકો લઈ રહેલ હતા અને ભગવાનના રથને ખેંચવાનો લ્હાવો મળતા દરેક ભક્તો પોતાને ભાગ્યશાળી માનતા હતા. એટલે જ કહેવાય છે કે દરેક વ્યક્તિના જીવન રૂપી રથની દોરી જગતના તાત એવા જગન્નાથ પાસે છે, તો એવા ભગવાન જગન્નાથના રથની દોરી ખેંચવા ભક્તોમા પડાપડી જોવા મળતી હતી. આ રથયાત્રાની મુખ્ય વિશેષતા એ હતી કે નગરના મોટા ભાગના લોકો પારંપરિક વેશમા જોવા મળતા હતા. રથયાત્રા દરમ્યાન સનાતન હિન્દુ સમિતિ દ્વારા રાખવામાં આવેલ વિવિધ ઝાંખી તેમજ અખાડાઓ એ આગવું આકર્ષણ ઉભું કર્યું હતું. નયનરમ્ય સાક્ષાત ભગવાન જોવાતા હોય તેવી સુંદર ઝાંખી તેમજ પ્રતાપપુર થી આવેલ જે.સી.બી પર અખાડાના કરતબ જોઈ સૌ કોઈ દંગ રહી ગયેલ હતા.

રથયાત્રામા જોડાયેલ નગરજનો સંપૂર્ણ ભક્તિના માહોલમાં રંગાઈ ગયેલ જોવા મળતા હતા. ભક્તિના રંગમાં નગરજનો નાચતા ઝુમતા તેમજ રાસ ગરબા કરતા જોવા મળતા હતા. ભગવાન જગન્નાથનો રથ ગીતા મંદિરે આવતા રામ ભક્ત મિત્ર મંડળ દ્વારા ઉપસ્થિત સૌ લોકો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરી હતી. ભગવાન જગન્નાથજી નું મોસાળ એટલે નગરનું સૌથી પૌરાણિક ગીતા મંદિર , ત્યાં દાહોદ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા ભગવાનનું મામેરૂં ભરવામાં આવ્યું હતું. ગીતા મંદિર ખાતે લગભગ એક કલાક થી વધુ સમય ભગવાનનો રથ રોકાયો હતો. ત્યારબાદ રથ ફરી નગરમાં પરિભ્રમણ કરવા તૈયાર થઈ ગયેલ હતું. આખા રસ્તા દરમ્યાન જય રણછોડ, જય જગન્નાથ જેવા ભક્તિ સભર ગગનભેદી નારા થી ગગન ગુંજી ઉઠયું હતું.

ભગવાન જગન્નાથનો રથ રણછોડરાય મંદિરે થી નીકળી મુવાડા રામજી મંદિર, ભીલ રાજા વસૈયા ચોક, બસ સ્ટેશન, આંબેડકર ચોક થઈ ડબગર વાસ, ગીતા મંદિર, સ્વર્ણિમ સર્કલ, કોલીવાડા, મીઠાચોક થી વૈષ્ણવ હવેલી થઈ તળાવ પરથી સોમનાથ મહાદેવ મંદિર, લુહારવાડા,વડબજાર, ભરત ટાવર થી પરત રણછોડરાય મંદિર પરત ફરી હતી. છેલ્લે મહાઆરતી કરી નગરજનો માટે મહાપ્રસાદનુ આયોજન વિશ્ર્વકર્મા મંદિરે કરવામાં આવ્યું હતું.

ઝાલોદ નગરના ડી.વાય.એસ.પી પટેલ, પી.એસ.આઈ માળી દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખી નગરમાં સતત પેટ્રોલીંગ કરી કાયદો વ્યવસ્થા જાળવી રાખી હતી. પોલીસ તંત્ર દ્વારા બોડી કેમેરા, વિડિયો ગ્રાફી, ડ્રોન કેમેરા થી સતત રથયાત્રા શાંતિમય પૂર્ણ થાય તેનું ધ્યાન રાખવામાં આવેલ હતું. પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકનુ પણ સુંદર ધ્યાન આપવામાં આવ્યું હતું. આમ, યાત્રા શાંતિ પૂર્ણ પૂરી થતા પોલીસ તંત્રએ હાશકારો લીધો હતો.