જાવેદ અખ્તરને મુંબઈ કોર્ટે સમન મોકલ્યું,આરએસએસની તુલના તાલિબાન સાથે કરી હતી

મુંબઇ,

મુંબઈની કોર્ટે જાણીતા ગીતકાર જાવેદ અખ્તર સામે સમન જાહેર કર્યા છે. એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) સામે તેમની કથિત ટિપ્પણી પર જાવેદ અખ્તર સામે સમન જાહેર કરવામાં આવ્યા છે.

મુંબઈની મુલુંડ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે જાવેદ અખ્તર વિરુદ્ધ આ સમન્સ જાહેર કર્યા છે. જાવેદ અખ્તર વિરુદ્ધ આરએસએસ વિશે ટિપ્પણી કરવા બદલ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો તેમ એડવોકેટ સંતોષ દૂબેએ જણાવ્યુ હતુ. જાવેદ અખ્તર વિરુદ્ધ આઈપીસીની કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલાની નોંધ લેતા કોર્ટે તેમને હાજર થવાનો આદેશ કર્યો છે. જાવેદ અખ્તરને કોર્ટે ૬ ફેબ્રુઆરીએ હાજર થવા માટે કહ્યુ છે.

ગયા વર્ષે એક ઈન્ટરવ્યુ દરમિયાન જાવેદ અખ્તરે આરએસએસ પર ટિપ્પણી કરી હતી. જે બાદ તેની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જાવેદ અખ્તર પર આરએસએસની તુલના આતંકવાદી સંગઠન તાલિબાન સાથે કરવાનો આરોપ છે. જે બાદ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે તેઓ રાજકીય લાભ માટે જાણીજોઈને નાગપુર મુખ્યાલયવાળી સંસ્થાનુ નામ વચ્ચે લાવી રહ્યા છે. તે આરએસએસને સુનિયોજિત રીતે બદનામ કરી રહ્યા છે. એડવોકેટે આરોપ લગાવ્યો છે કે જાવેદ અખ્તરે આરએસએસમાં જોડાવા ઈચ્છતા યુવાનોને ગેરમાર્ગે દોર્યા છે, તેઓ જાણી જોઈને આ યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કેસની સુનાવણી બાદ કોર્ટે જાવેદ અખ્તરને ૬ ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં હાજર થવા માટે કહ્યુ છે. એડવોકેટ દુબેએ કહ્યુ કે કેસની સુનાવણી ૬ ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે. સાથે જ કોર્ટે જાવેદ અખ્તરને ૬ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ હાજર થવા માટે કહ્યુ છે. નોંધનીય છે કે જાવેદ અખ્તર વર્તમાન સરકાર પર સતત પ્રહારો કરતા હોય છે.