જાતીય શોષણ- બળાત્કાર કેસમાં પ્રજ્વલ રેવન્ના ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં

જનતા દળ સેક્યુલરમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા અને પૂર્વ સાંસદ પ્રજ્જવલ રેવન્નાની મુશ્કેલીઓ અટકી રહી નથી. આ પહેલા તેના પર અનેક મહિલાઓના યૌન શોષણ અને બળાત્કારનો આરોપ લાગ્યો હતો. આ પછી, તેમને હસન લોક્સભા સીટ પરથી પણ હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે તેમના પર કાયદાની ફાંસો કડક થઈ રહી છે. બેંગ્લોરની એક વિશેષ અદાલતે રેવન્નાને યૌન શોષણ અને બળાત્કારના આરોપમાં ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી છે.

તમને જણાવી દઈએ કે કર્ણાટક સરકારે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. રેવન્નાને એસઆઇટી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. આ પહેલા ૩૧ મેના રોજ કોર્ટે રેવન્નાને ૬ જૂન સુધી એસઆઇટી કસ્ટડીમાં મોકલી હતી. આ પછી કસ્ટડી ૧૦ જૂન સુધી લંબાવવામાં આવી હતી. હાંકી કાઢવામાં આવેલા જેડી-એસ નેતાને વિગતવાર કસ્ટોડિયલ તપાસનો સામનો કરવો પડ્યો. એસઆઈટીએ એકત્ર કરાયેલા પુરાવા, સાક્ષીઓના નિવેદનના આધારે રેવન્નાની પૂછપરછ કરી. આ પછી કોર્ટમાં પૂર્વ સાંસદ પર અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા. આ પછી કોર્ટે પણ આરોપોની ગંભીરતાને સમજીને રેવન્નાની કસ્ટડી ૧૪ દિવસ માટે વધારી દીધી છે. હવે પ્રજ્જવલને ૨૪ જૂન સુધી એસઆઇટી દ્વારા કડક પૂછપરછનો સામનો કરવો પડશે. આરોપોની ગંભીરતા અને એસઆઇટી દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓને યાનમાં રાખીને કોર્ટે તેને ૨૪ જૂન સુધી ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો.

હસન લોક્સભા સીટ પર વોટિંગ પહેલા પ્રજ્જવલનો વિવાદાસ્પદ અને વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયો હતો. પ્રજ્વલ રેવન્ના મતદાન બાદ બીજા દિવસે જર્મની ભાગી ગયો હતો. બીજી તરફ, સીબીઆઈએ રેવન્નાના ઠેકાણા શોધવા માટે બ્લુ કોર્નર નોટિસ જારી કરી હતી. ૧૮ મેના રોજ બેંગ્લોરની વિશેષ અદાલતે રેવન્ના વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. ૩૧ મેના રોજ પ્રજ્જવલ બેંગ્લોરના કેમ્પેગૌડા એરપોર્ટ પર પહોંચતા જ એસઆઇટીએ તેને કસ્ટડીમાં લીધો હતો.