જાતિનું રાજકારણ થયું બૂમરેંગ

જાતિનું રાજકારણ થયું બૂમરેંગ

હજુ બહુ દિવસ નથી થયા, જ્યારે રાહુલ ગાંધી લોકો અને વિશેષ કરીને અધિકારીઓ અને મીડિયા કર્મીઓની જાહેરમાં જાતિ પૂછતા હતા, પરંતુ આજે જ્યારે લોક્સભામાં તેમનો ઉલ્લેખ કર્યા વિના એવો કટાક્ષ કરવામાં આવ્યો કે જેમને પોતાની જાતિની ખબર નથી, તેઓ તેની ગણનાની માંગ કરીર હ્યા છે, તો કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોના નેતાઓને ભારે મરચાં લાગ્યાં અને સંસદની અંદર-બહાર પોતાનો ધૂંધવાટ કાઢતા ફરે છે. તેમાં કોંગ્રેસના એ નેતા પણ છે, જેઓ લોકોની જાતિ જાણવાની રાહુલ ગાંધીની ઉત્કંઠાને તેમનો માસ્ટર સ્ટ્રોક ગણાવી રહ્યા હતા.

જ્યારે કોઈ ફરી ફરીને ગમે તેની જાતિ પૂછતા ફરતા હોય તો તેમણે પણ એવા કટાક્ષ માટે તૈયાર રહેવું જોઇએ, જેવો કટાક્ષ ગત દિવસોમાં ભાજપના નેતા અનુરાગ ઠાકુરે કર્યો. ટૂંકમાં રાહુલ ગાંધીનું જાતિનું રાજકારણ બૂમરેેંગ થઈને તેમના જ માથે પાછું આવ્યું. આ એ જ રાહુલ છે, જેઓ થોડા દિવસ પહેલાં જ લોક્સભામાં ભાજપના નેતાઓને દુર્યોધન, શકુનિ વગેરે ગણાવી રહ્યા હતા. એના પહેલાં તેઓ એક જનસભામાં એમ પણ કહી ચૂક્યા છે કે વડાપ્રધાન મોદી તો ઓબીસી છે જ નહીં.

આ એક નીતિની વાત છે કે કોઈને પણ બીજાઓ સાથે એવો વ્યવહાર ન કરવો જોઇએ, જેવો તેને પોતાના માટે પસંદ ન હોય. અનુરાગ ઠાકુરના નિવેદન પર સંસદમાં જે હંગામો થઈ રહ્યો છે, તે માત્ર ખીજ દૂર કરવા અને જનતાનું યાન ભંગ કરવા માટે થઈ રહ્યો છે. એ હાસ્યાસ્પદ છે કે અનુરાગ ઠાકુરના નિવેદનનું સમર્થન કરવાને કારણે કોંગ્રેસ વડાપ્રધાન વિરુદ્ઘ વિશેષાધિકાર હનનની નોટિસ આપવા પર વિચાર કરી રહી છે.

સંસદમાં જાતિ પર જેવું ઘમસાણ થઈ રહ્યું છે, તે જાતિના રાજકારણનું જ પરિણામ છે. દુર્ભાગ્યે જ્યારે દેશને જાતિના રાજકારણની બહાર લાવવાની કોશિશ કરવી જોઇએ, ત્યારે કેટલાક પક્ષો અને વિશેષ રૂપે કોંગ્રેસના નેતા જાતિના રાજકારણને ચગાવીને સમાજમાં વિભાજન અને વૈમનસ્ય પેદા કરવા માગે છે. તેઓ એમ કહીને જાતિ ગણનાની માંગ કરી રહ્યા છે કે તેનાથી જ સમસ્ત સમસ્યાઓનું સમાધાન થશે અને સામાજિક ન્યાયનું લ-ય હાંસલ થશે.

જો જાતિ ગણના એટલી જ જરૂરી હતી તો દાયકાઓ સુધી કેન્દ્રની સત્તામાં રહેલી કોંગ્રેસે એવી ગણના કેમ ન કરાવી લીધી? પ્રશ્ર્ન એ પણ છે કે શું લોકોની જાતિ જાણ્યા વિના તેમને ગરીબીમાંતી બહાર કાઢવા અને શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારના પ્રશ્ર્ન હલ કરવા સંભવ નથી? દરેક જણ તેનાથી સારી રીતે પરિચિત છે કે જાતિના રાજકારણે સમાજને વિભાજિત કરવાની સાથે જ સામાજિક ન્યાયના રસ્તામાં મુશ્કેલીઓ પેદા કરી છે, તેમ છતાં કેટલાક નેતા પોતાના રાજકીય રોટલા શેકવા માટે સમાજને જાતિઓમાં વહેંચીને તેનો માત્ર ઉપયોગ કર્યો છે.

જાતિય વૈમનસ્ય રૂપે તેનાં દુષ્પરિણામ સામે છે, પરંતુ જાતિવાદી નેતાઓ એ જોવા-સમજવા તૈયાર નથી. આપણા સમાજમાં તો માત્ર બે જ જાતિઓ હોવી જોઇએ – અમીર અને ગરીબ અને તેમની જ ભાળ મેળવવી જોઇએ.