ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના ગૃહ પ્રધાન રાણા સનાઉલ્લાએ જણાવ્યુ હતુ કે તપાસ એજન્સીઓ દેશની ગુપ્તચર શાખા આઇએસઆઇના ભૂતપૂર્વ વડા લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ વિરુદ્ધ કેસની તપાસ કરી રહી છે. જો કે, તેણે હમીદ પર લાગેલા આરોપો અંગે કોઈ વિગતો જાહેર કરી ન હતી. મહત્વનું છે કે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીની ચૂંટણી રેલી પહેલા લાહોરમાં કલમ ૧૪૪ લાગુ કર્યા બાદ મીડિયાને સંબોધતા ટિપ્પણી પણ કરી હતી.
‘ધ ફ્રાઈડે ટાઈમ્સ’ ના અહેવાલઅનુસાર, પૂર્વ આઇએસઆઇ ચીફ હમીદની ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ અને રાજકીય મામલામાં હસ્તક્ષેપ સહિતના અનેક આરોપોમાં ધરપકડ થઈ શકે છે. સનાઉલ્લાહે કહ્યું, ‘પાકિસ્તાન આર્મી જ ફેઝનું કોર્ટ માર્શલ કરી શકે છે.’
ગૃહમંત્રીએ હમીદ સામેના આરોપો સ્પષ્ટ કર્યા નથી. જો કે એવું માનવામાં આવે છે કે હમીદે આઇએસઆઇમાં ફરજ બજાવતા, રાજકારણીઓને અંકુશમાં રાખતી વખતે અને કેટલાકને પક્ષ બદલવાની ફરજ પાડીને તેની સત્તાનો દુરુપયોગ કર્યો હતો.તો આ તરફપાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના વરિષ્ઠ નેતા મરિયમ નવાઝે એક ઈન્ટરવ્યુમાં જનરલ હમીદ સામે કોર્ટ માર્શલની કાર્યવાહીની માંગણી કર્યા બાદ સનાઉલ્લાહે નિવેદન આપ્યુ છે. આપને જણાવવુ રહ્યું કે, મરિયમે તેમના પર આરોપ લગાવ્યો છે કે તેઓ હકાલપટ્ટી કરાયેલા વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને સત્તામાં રાખવા માટે વિરોધીઓ પર દબાણ લાવી રહ્યા છે. એટલુ જ નહીં જનરલ હમીદે ગયા વર્ષે નવેમ્બરમાં વહેલા નિવૃત્તિ લેવાનું પસંદ કર્યું હતું, જ્યારે તેમને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા પરંતુ આર્મી ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી ન હતી.