ભારતીય બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયો છે, રવિવારે બુમરાહ એશિયા કપ અધુરો છોડીને ભારત રવાના થઈ ગયો હતો. આ દરમિયાન અંગત કારણ હોવાની વિગતો મળી હતી. પરંતુ બુમરાહે પોતે જ સોશિયલ મીડિયાની મદદથી આ ખુશ ખબર આપી છે. બુમરાહે લખ્યું છે કે અમારો નાનો પરિવાર મોટો થઈ ગયો છે. મારું અને પરિવારનું દિલ ખુશીઓથી ભરાઈ ગયું છે. આજે સવારે જ સંજના ગણેશને દીકરાને જન્મ આપ્યો છે. બુમરાએ દીકરાનું શું નામ રાખ્યું છે તે પણ જણાવ્યું છે.
જસપ્રીત બુમરાહે પોતાના દીકરાનું નામ અંગદ રાખ્યું છે. જસપ્રીત બુમરાહ પોતાના પરિવારમાં થયેલી નવી શરુઆતને લઈને ઘણો જ ખુશ છે. હવે આગળ કેવી ખુશીઓ આવશે તે અંગે બુમરાહ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. ક્રિકેટરની પત્ની સંજન ગણેશન MTVના શોમાં જોવા મળી હતી અને આ પછી તે સ્પોર્ટ્સ રિપ્રેઝન્ટેટર બની છે. જસપ્રીત અને સંજનાએ વર્ષ 2021માં લગ્ન કરી લીધા હતા. તેઓ બે વર્ષથી એક બીજાને ડેટ કરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું.
જસપ્રીત બુમરાહ અને સંજનાની મુલાકાત એક કાર્યક્રમમાં એકરિંગ દરમિયાન થઈ હતી. આ પછી બન્ને વચ્ચે મિત્રતા થઈ અને પછી તે પ્રેમમાં પરિણમી હતી. સંજના અને બુમરાહના લગ્ન કોરોનાના સમયમાં થયા હતા. આ કારણે બહુ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
જસપ્રીત બુમરાહની પત્ની સંજના ક્રિકેટ સિવાય બેડમિન્ટન અને ફૂટબોલ જેવા સ્પોર્ટ્સમાં પણ એંકરિંગ કરી ચૂકી છે. સંજના એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો છે અને ફેમિના ઓફિશિયલ ગોર્જિયસ પણ રહી છે. તે ICCમાં પણ ઘણાં પ્રોગ્રામ હોસ્ટ કરે છે.
પીઠની ઈજાના કારણે ટીમમાંથી બહાર રહેલા જસપ્રીત બુમરાહે હાલમાં જ ટીમમાં કમબેક કર્યું છે અને હાલ તે એશિયા કપમાં પણ ટીમની સાથે છે. જોકે, તે મુંબઈ પરત ફર્યો છે અને સુપર-4 રાઉન્ડમાં ફરી ટીમમાં જોડાશે તેવી શક્યતાઓ છે. જેના માટે ભારતે નેપાળ સામેની મેચ જીતવી જરુરી છે. વર્લ્ડકપ પહેલા બુમરાહનું કમબેક થતા ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સ ખુશ છે.