જસપ્રીત બુમરાહ આગામી વર્ષની શરુઆતમાં ભારતીય ટીમ સાથે જોડાશે

મુંબઇ,

ભારતીય ટીમ ના મહત્વનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહની ટીમ ઈન્ડિયાને હાલમાં ખોટ વર્તાઈ રહી છે. ટી૨૦ વિશ્ર્વકપ ૨૦૨૨માં પણ બુમરાહની ગેરહાજરી રહી હતી. આ ઉપરાંત એશિયા કપમાં પણ તે ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો રહી શક્યો નહોતો. પરંતુ હવે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જસપ્રીત બુમરાહ જલ્દીથી ભારતીય ટીમમાં પરત જોડાઈ શકે છે. તે આગામી વર્ષે ભારતીય ટીમમાં સામેલ જોવા મળી શકે છે. પીઠની ઈજાને લઈ બુમરાહ બે માસથી વધારે સમયથી આરામ પર રહ્યો છે.

જસપ્રીત બુમરાહ પીઠમાં સમસ્યાને લઈને ક્રિકેટથી દૂર રહેવા મજબૂર રહ્યો છે. તે એશિયા કપની શરુઆત પહેલાથી જ ભારતીય ટીમથી દૂર થયો હતો અને તે ટી૨૦ વિશ્ર્વકપનો પણ હિસ્સો થઈ શક્યો નહોતો. ત્યાર બાદ ન્યુઝીલેન્ડ પ્રવાસ અને હાલમાં બાંગ્લાદેશ પ્રવાસમાં પણ બુમરાહ જોડાઈ શક્યો નહીં. આમ હવે તે ઘર આંગણાની સિરીઝમાં રમતો જોવા મળી શકે તેવી આશા સેવાઈ રહી છે. આ માટે બોર્ડના સુત્રોથી પણ કેટલીક જાણકારી મીડિયા અહેવાલમાં સામે આવી છે.

રિપોર્ટમાં જસપ્રીત બુમરાહના પરત ફરવા અંગે સામે આવ્યુ છે કે, તે આગામી વર્ષે જાન્યુઆરીમાં ઘર આંગણે રમાનારી વન ડે શ્રેણીનો હિસ્સો હશે કે કેમ તેનો નિર્ણય થઈ શકે છે. અહેવાલ મુજબ બોર્ડના એક અધીકારીએ કહ્યુ છે કે, હા તે સારુ કરી રહ્યો છે. તે ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે પરત ફરશે. તે આ મહિનાના અંત સુધીમાં એનસીએમાં રિપોર્ટ કરશે. મેડિકલ ટીમ એક વખત તેની કંડીશન સમજી લેશે, તેના પછી પસંદગીકારો એ વાત પર નિર્ણય કરશે કે તે આગામી મહિને શ્રીલંકા સામેની સિરીઝનો હિસ્સો હશે કે નહીં.

બુમરાહે એકાદ મહિના પહેલા જ સોશીયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે એક્સરસાઈઝ કરતો જોવા મળી રહ્યો છે. તે વિડીયોમાં ખૂબ જ ફીટ જોવા મળી રહ્યો હતો. વિડીયોમાં તે દોડતો અને કરત કરતો જોવા મળી રહ્યો હતો.

ટીમ ઈન્ડિયા હાલમાં બાંગ્લાદેશ પ્રવાસે છે. જ્યા ટીમ ૩ વન ડે મેચની શ્રેણી હાલમાં રમી રહી છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમનુ પ્રદર્શન કંગાળ રહ્યુ હતુ. ખાસ કરીને ભારતીય બેટ્સમેનોની રમત નિરાશાજનક રહી હતી. આજે બુધવારે બીજી વન ડે મેચ રમાનારી છે. શ્રેણીમાં બની રહેવા માટે ભારતે આજે કોઈપણ રીતે મેચ જીતવી જરુરી છે.