જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, નંબર-૧ ટેસ્ટ બોલર બન્યો

મુંબઇ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝના બીજા મુકાબલા બાદ આઈસીસીએ લેટેસ્ટ ટેસ્ટ રેક્ધિંગ જાહેર કર્યું છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે કમાલનું પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ નંબર-૧ ટેસ્ટ બોલર બની ગયો છે. ભારત તરફથી પ્રથમવાર કોઈ ફાસ્ટ બોલર નંબર વન ટેસ્ટ બોલર બન્યો છે. આ સિવાય બુમરાહ એકમાત્ર એવો બોલર બની ગયો છે, જે ત્રણેય ફોર્મેટમાં નંબર વનની ખુરશી મેળવી ચુક્યો છે, તેની પહેલા આ કોઈ કરી શક્યું નથી. ભારત તરફથી આ પહેલા આર અશ્ર્વિન, રવિન્દ્ર જાડેજા અને બિશન સિંહ બેદી ટેસ્ટમાં નંબર વન બોલર બન્યા છે, પરંતુ ત્રણેય સ્પિનર છે. બુમરાહે બીજી ટેસ્ટમાં નવ વિકેટ ઝડપી હતી, જેમાં પ્રથમ ઈનિંગમાં છ વિકેટ લીધી હતી. બુમરાહને શાનદાર બોલિંગનું ઈનામ રેન્કિંગમાં મળ્યું છે. બુમરાહના ૮૮૧ રેટિંગ પોઈન્ટ છે. ૮૫૧ રેટિંગ પોઈન્ટ સાથે રબાડા બીજા સ્થાને છે. જ્યારે અશ્વિન ત્રીજા સ્થાને છે, તેના રેટિંગ પોઈન્ટ ૮૪૧ છે.

વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં આર અશ્વિન નું પ્રદર્શન સાધારણ રહ્યું હતું અને તેને બે સ્થાનનું નુક્સાન થયું છે. રેક્ધિંગમાં ચોથા સ્થાન પર ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ છે, જ્યારે પાંચમાં સ્થાને કાંગારૂ ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ છે. શ્રીલંકાના બોલર પ્રભાત જયસૂર્યાએ ત્રણ સ્થાનની છલાંગ લગાવી છે અને તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. સાતમાં, આઠમાં, નવમાં અને દસમાં નંબર પર ક્રમથી જેમ્સ એન્ડરસન, નાથન લિયોન, રવિન્દ્ર જાડેજા અને ઓલી રોબિન્સન છે.

જાડેજા બીજી ટેસ્ટમાં બહાર રહ્યો હતો, જેથી તેને રેન્કિંગ માં બે સ્થાનનું નુક્સાન થયું છે. આઈસીસી ટેસ્ટ રેક્ધિંગમાં બેટરોની વાત કરીએ તો કેન વિલિયસન પ્રથમ સ્થાને છે. જ્યારે એક સ્થાનના ફાયદા સાથે સ્ટીવ સ્મિથ બીજા સ્થાને આવી ગયો છે. જ્યારે જો રૂટ ત્રીજા સ્થાને છે. ચોથા, પાંચમાં અને છઠ્ઠા નંબર પર ક્રમથી ડેરેલ મિચેલ, બાબર આઝમ અને ઉસ્માન ખ્વાજા છે. રોહિત શર્માને એક સ્થાનનું નુક્સાન થયું છે અને તે ૧૩માં સ્થાને છે. આઈસીસી મેન્ટ ટેસ્ટ ઓલરાઉન્ડર્સના ટેસ્ટમાં જાડેજા પ્રથમ સ્થાને છે. જ્યારે બેન સ્ટોક્સ એક સ્થાનના ફાયદા સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. આર અશ્ર્વિન બીજા અને શાકિબ ત્રીજા સ્થાને છે. જો રૂટ બે સ્થાનના નુક્સાન સાથે છઠ્ઠા સ્થાને છે.