રાજકોટ. જસદણ પંથકની અને હાલ રાજકોટમાં રહી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી યુવતીને મૂળ જસદણનો અને હાલ છોટા ઉદેપુરમાં શિક્ષક તરીકે નોકરી કરતાં સુરેશે તેણીને ઇન્સ્ટાગ્રામ મારફતે ફસાવી રાજકોટની અલગ અલગ હોટલમાં લઈ જઈ લગ્નની લાલચ આપી સેથામાં સિંદૂર પુરી અનેકવાર દુષ્કર્મ ગુજારી બાદમાં ફોન નંબર બ્લોકમાં નાંખી દેતાં યુવતીએ એ. ભોગ બનનાર મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સુરેશ ધનજી અંધાણી (રહે. કડુકા ગામ, જસદણ) નું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે આરોપી વિરૂદ્ધ દુષ્કર્મ અને એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, તે રાજકોટમાં નોકરી કરે છે. અઢી વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ મારફત આરોપીના સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેને કારણે ગઈ તા.૨૭-૫-૨૦૨૨ના રોજ આરોપીએ તેને સાંગણવા ચોકમાં આવેલી હોટલમાં લઈ જઈ ત્યાં ભગવાનના ફોટા સામે મંગળસૂત્ર પહેરાવી, સેથામાં સિંદૂર પૂરી કહ્યું કે, આજથી આપણા બંનેના લગ્ન થઈ ગયા છે, આજથી આપણે બંને પતિ-પત્ની છીએ, આપણે સમાજમાં પણ લગ્ન કરી લેશું. બાદમાં તેની સાથે શરીર સંબંધ બાંયો હતો.
થોડા દિવસો બાદ આરોપીએ પાવી જેતપુરની ટીકીટ બૂક કરાવી ત્યાં બોલાવી હતી. જ્યાં તે બે દિવસ રોકાઈ રાજકોટ પરત આવતાં આરોપી પણ સાથે આવ્યો હતો અને તેને ફરીથી સાંગણવા ચોકની તે જ હોટલમાં લઈ જઈ ફરીથી લગ્નની વાતો કરી શરીર સંબંધ બાંયો હતો. તેના થોડા દિવસો બાદ આજી ડેમ ચોકડી પાસે આવેલી હોટલમાં લઇ જઈ ત્યાં પણ તેની મરજી વિરૂધ શરીર સંબંધ બાંયો હતો. ગઇ તા. ૧૩-૧૧-૨૦૨૩ના રોજ તે નોકરી પૂરી કરી પોતાના ગામ જતી હતી ત્યારે આરોપીએ તેને કડુકા ગામે આવેલા પોતાના નવા બંધાતા મકાનમાં લઈ જઈ શરીર સંબંધ બાંયો હતો. ત્યારબાદ તેને જાણવા મળ્યું હતું કે, આરોપી છોટા ઉદેપુરમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. એટલું જ નહીં તેને અન્ય એક યુવતી સાથે સંબંધ પણ છે.
આ વાતની જાણ થતા જ તે છોટા ઉદેપુર પહોંચી ગઈ હતી. જ્યાં આરોપીનો ફોન સ્વીચ ઓફ મળતાં તેના ઘરે ગઈ હતી. તે વખતે આરોપી મળતાં જ તેણે કહ્યું કે, આપણે હવે લવ મેરેજ કરી લઈએ, આરોપીએ પણ સહમતિ દર્શાવી હતી. જેથી તે રાત્રે ત્યાં રોકાઈ હતી. તે વખતે આરોપીના સગાઓ પણ આવી ગયા હતા. જેમણે કહ્યું કે, આરોપીનાં તેની સાથે લગ્ન કરાવવા માટે પહેલા પોતાના ઘરે વાત કરી લે, એટલે તેણે હા પાડી હતી. બાદમાં જતી રહી હતી.
તેના થોડા દિવસો બાદ આરોપીએ તેનો મોબાઈલ નંબર બ્લોક કરી નાખ્યો હતો. આ પછી ક્યારેક કોલ ઉપાડી મીઠી-મીઠી વાતો કરી વાયદાઓ કરતો પણ લગ્ન કરતો ન હોવાથી આખરે તેના વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.