- હત્યા કરી કોઈ ફેંકી ગયાની શંકા
રાજકોટ, જસદણ નજીક આવેલ કાળાસર ગામ જવાના રસ્તાની સાઈડમાં ખાળિયામાં જીવાતોથી ખદબદતી અત્યંત કોહવાઈ ગયેલી હાલતમાં અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. આ પુરુષની અન્ય જગ્યાએ હત્યા કરી તેની લાશને કોથળામાં પેક કરી અહી ફેંકી ગયા હોવાનું જસદણ પોલીસે પ્રાથમિક અનુમાન વ્યક્ત કર્યું છે. જસદણ પોલીસે લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
જસદણના ખાંડા હડમતિયા ગામના કેશુભાઈ પોપટભાઈ બાવળિયાએ જસદણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી જણાવ્યું હતું કે, જસદણથી કાળાસર જવાના રસ્તાની સાઈડમાં આવેલા ખાળિયામાં એક લાશ પડી છે. આ ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ ઉપર જઈ તપાસ કરતા ફોર્મલ બ્લ્યુ કલરનું પેન્ટ અને બ્લ્યુ કલરનું ટીશર્ટ પહેરેલા અજાણ્યા પુરુષની અત્યંત કોહવાઈ ગયેલી અને જીવાતોથી ખદબદતી દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી.
પોલીસને મળી આવેલી અજાણ્યા પુરુષની લાશમાં તેની ખોપરી, બન્ને હાથ અને બીજાં અંગો જીવાત ખાઈ ગઈ હોવાનું જોવા મળ્યું હતું. પુરુષની લાશ ઉપરથી તેની ઉંમરનો પણ પ્રાથમિક અંદાજ લગાવી શકાય તેવી હાલત નથી. શરીર ઉપર હાલ અમુક જગ્યાએ જ ચામડી બચી છે. શંકાસ્પદ હાલતમાં મળી આવેલા અજાણ્યા પુરુષની કોઈએ હત્યા કરી છે કે પછી બીજા કોઈ કારણસર આ ઘટના બની છે તે હાલ તપાસનો વિષય બની ગયો છે.
એક મહિના પહેલાં રાજકોટ મોરબી રોડ પર આવેલી લાલપરી નદીમાંથી અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મહિલાની લાશના કટકા કરી અલગ અલગ બે થેલામાં ટુકડા ભરી લાશને નદીમાં ફેંકી દેવામાં આવ્યાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા મહિલાની લાશને નદીમાંથી બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી.
ફોરેન્સિક પીએમના રિપોર્ટમાં લાશ યુવતીની હોવાનું માલૂમ પડ્યું હતું. તેમજ બનાવના ૧૦ દિવસ પહેલાં બોથડ પદાર્થના એક ઘા ઝીંકવાથી હત્યા કરાઇ હોવાનું ખુલ્યું હતું. મૃતક યુવતીની ઉંમર ૧૭થી ૨૧ વર્ષની હોવાનું અનુમાન લગાવાયું હતું. હત્યા કર્યા બાદ કરવત કે ધારદાર હથિયાર વડે લાશના ટુકડા કર્યા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ રેકી કર્યા બાદ લાશ નદીમાં ફેંકી દીધાનું જાણવા મળ્યું હતું.લાશના આ ટુકડાઓ ભરેલા થેલા પાણીમાં નાખેલા હોવાથી એકદમ કોહવાઇ ગયા હતા. કાનમાં પીળી ધાતુની બુટ્ટી, કડી પહરેલાં હતાં. બંને હાથના કાંડામાં બબ્બે બંગડીઓ તથા પગમાં સફેદ ધાતુના છડા પહેરેલા હતા. આ ઉપરાંત થેલામાં સાથે મહાદેવના પીળી ધાતુના ચાર પેન્ડલ કાળા દોરા સહિત મળ્યાં હતાં.
રહસ્યમય એવી આ ઘટનામાં બી-ડિવિઝન પોલીસે મોરબી રોડ પર પંકજ ઓઇલ મિલ પાછળ રાજનગર મેઇન રોડ પર રહેતા અને કુવાડવા રોડ ખાતે સચ્ચા સૌદા નામે હોટેલ ચલાવતા હાર્દિકભાઈ ખોડાભાઇ પરમારને ફરિયાદી બનાવી અજાણ્યા શખસો તથા તપાસમાં ખૂલે તેના વિરુદ્ધ આઇપીસી ૩૦૨, ૨૦૧, ૧૩૫ મુજબ ગુનો નોંધી જે લાશ મળી છે એ મહિલા કોણ? હત્યા કોણે અને શા માટે કરી ? કયા સ્થળે હત્યા થઇ? એ સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જો કે, હજી સુધી આ ઘટનાનો ભેદ ખુલ્યો નથી. અગાઉ ૬ વર્ષ પહેલાં ૧૮ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ભગવતીપરા-રૂખડિયા કોલોની વચ્ચેના બેઠા પુલ પાસેથી નદીમાંથી ધડ વગરના બાળકનું માથું મળ્યું હતું. આ બનાવનો કોઈ ભેદ હજુ સુધી ઉકેલાયો નથી. પોલીસે માહિતી આપનાર માટે પચાસ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું.