જસદણમાં ૬.૭૯ કરોડના ખર્ચે ૭ એકર જમીનમાં અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ તૈયાર થશે,મંત્રી કુંવરજી બાવળિયાએ કર્યુ ભૂમિપૂજન

રાજકોટ,રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા રમત સંકુલનું ભૂમિપૂજન અને ઈ- તક્તી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આવેલા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય મંચ પુરો પાડવા તેમજ વધુમાં વધુ નેશનલ સ્પર્ધાઓનું આયોજન ગુજરાત ખાતે થાય અને રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાનો લાભ મળે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ આધુનિક રમત સંકુલોના વિકાસના કાર્યક્રમ અન્વયે જસદણ તાલુકા રમત સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ૭ એકરમાં રૂ.૬.૭૯ કરોડના ખર્ચે તૈયાર થશે.

આ સંકુલમાં ઇન્ડોર રમતો માટે અત્યાધુનિક સુવિધાસભર ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ ઉપરાંત આઉટડોર રમતો માટે પણ સુવિધા પ્રાપ્ત થશે. સમગ્ર રાજ્યમાં ૧૯ જિલ્લાઓ અને ૩ તાલુકાઓમાં રમત સંકુલ કાર્યરત છે. જેમાં હવે જસદણ તાલુકાનો સમાવેશ થયો જે ખુશીની વાત છે. કુંવરજી બાવળિયાએ જસદણ પંથકમાં સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, આવાસ અને માળખાકીય સુવિધાઓ માટે થઈ ગયેલા અને થઈ રહેલા વિકાસ કાર્યક્રમો અંગે જણાવ્યું હતું. તેમજ પંથકના અધિકારીઓને રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે નક્કર કામગીરી કરવા સૂચના આપી હતી.

ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ જસદણવાસીઓને રમત સંકુલના નિર્માણ માટે અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, જસદણના યુવાઓ નેશનલ લેવલે ઘણા આગળ આવ્યા છે ત્યારે આ સંકુલ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પંચાયતના ઉપપ્રમુખ સવિતાબેન વાછાણી, મામલતદાર સંજયસિંહ અસવાલ, રમતગમત અધિકારી, તાલુકા નગરપાલિકા પૂર્વ સદસ્ય, સ્પોર્ટસ ઓથોરિટી પ્રમુખ, પી.ટી. શિક્ષકો, સ્થાનિક આગેવાનો, યુવા ખેલાડીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.