બર્લિન,
જર્મનીમાં સરકારને ઊથલાવી નાખવાની પ્રયાસ કરનાર ૨૫ લોકોની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક બની બેઠેલા પ્રિન્સ, એક નિવૃત્ત પેરાટૂપર અને એક ન્યાયાધીશનો સમાવેશ થાય છે. આ કાવતરું રિક સિટિઝન્સ મૂવમેન્ટ સાથે જોડાયેલા લોકો દ્વારા ઘડી કાઢવામાં આવ્યું હતું જે જર્મનીના યુદ્ધ બાદના બંધારણ અને સરકારની કાયદેસરતાને માનતા નથી.
સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે પુરાવાઓની સમીક્ષા બાદ અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવશે. કેટલાક લોકોએ પ્રશ્ર્ન કર્યો હતો કે શું કાવતરાખોર કોઈ ગંભીર હુમલો કરી શક્યા હોત? એના જવાબમાં સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે લશ્કર તેમ જ પોલીસના ભૂતપૂર્વ કર્મચારીઓની સંડોવણી જોતાં એવું લાગે છે કે આ હુમલાને ગંભીરતાથી લેવાની જરૂર છે. જર્મની તાજેતરમાં નિયો-નાઝીઓ દ્વારા કરવામાં આવતી હિંસાનાં કૃત્યોને કારણે જમણેરી ઉગ્રવાદ પ્રત્યે સંવેદનશીલ છે.