જર્મનીના હેમ્બર્ગમાં અંધાધૂંધ ફાયરિંગથી અફરાતફરી મચી, ૬ લોકોના મોત અનેક ઘાયલ

હેમ્બર્ગ,

જર્મનીના હેમ્બર્ગ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. અહીં એક ચર્ચામાં થયેલા ફાયરિંગમાં ૬ લોકોના મોતના સમાચાર છે. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યાં મુજબ હાલ આ હુમલાનો હેતુ સ્પષ્ટ થયો નથી. આ સાથે જ પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે મૃતકોમાં હુમલાખોર પણ સામેલ હોઈ શકે છે.

રિપોર્ટ્સ મુજબ યહોવાના ચર્ચમાં થયેલા ફાયરિંગમાં ૬ લોકો માર્યા ગયા છે. જ્યારે આઠ જેટલા લોકો ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે એવા કોઈ સંકેત નથી મળ્યા કે એક અપરાધી ફરાર થઈ ગયો છે.

હેમ્બર્ગ પોલીસે ટ્વીટ કરીને કહ્યું કે આ ફાયરિંગમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કેટલાકના મોત પણ થયા છે. મોટી સંખ્યામાં સુરક્ષાદળો સાથે અમે સાઈટ પર છીએ. બીજી બાજુ પોલીસ પ્રવક્તાએ કહ્યું કે હુમલાખોરો રાતે લગભગ ૯ વાગે એક ચર્ચમાં ઘૂસ્યા અને લોકો પર ફાયરિંગ કર્યું. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે હુમલાખોર એક હતો કે એક કરતા વધુ. પરંતુ પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ ફંફોળવામાં આવી રહ્યા છે. આરોપીઓને છોડવામાં નહીં આવે. પ્રવક્તાઓના હવાલે કહેવાયું કે અનેક લોકોના શરીર પર ગોળીઓ વાગી છે.

જર્મનીની એક સમાચાર એજન્સીએ કહ્યું કે હેમ્બર્ગના ઉત્તરી અલસ્ટરડોર્ફ જિલ્લાના સ્થાનિક રહીશોને તેમના મોબાઈલ પર અલર્ટ મેસેજ મોકલી દેવાયો છે. આ સાથે જ રસ્તાઓ બંધ કરી દેવાયા છે. હેમ્બર્ગના મેયરે આ હુમલા બાદ મૃતકોના પરિજનો પ્રત્યે ઊંડી સંવેદના દાખવી છે. મેયર પીટર ચેન્ચચરે ટ્વીટ કરીને કહ્યું કે હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. અપરાધીઓનો પીછો કરવા અને તેમની ભૂમિકા સ્પષ્ટ કરવા માટે પોલીસ પૂરી તાકાતથી કામ કરી રહી છે.