જાપાની રાજદૂતે બનારસની ગલીઓમાં માણ્યો વર્લ્ડ ફેમસ કચોરી અને જલેબીનો સ્વાદ

ભારત દેશ વિવિધતાઓનો દેશ છે અને ખાસ વાત એ છે કે આ વિવિધતાઓમાં પણ એકતા છે. અહીં સ્થિત દરેક રાજ્યની પોતાની એક અલગ સભ્યતા અને સંસ્કૃતિ છે અને તેની સાથે તેના ખાન-પાનની પણ એક અલગ મજા છે. જો કે ખાન-પાનમાં ઉત્તર પ્રદેશનું નામ ખુબ જ ઠાઠ સાથે લેવામાં આવે છે. કહેવાય છે કે આ રાજ્યની ગલીઓ એક સ્વાદ બનાવે છે અને પ્રવાસીઓને પોતાની તરફ ખેંચે છે. પછી તે લખનઉંનો ટુંડે કબાબ હોય કે પછી બનારસની લસ્સી-કચોરી.

અહીં એકથી એક જોરદાર વ્યંજન હોય છે અને આ વ્યંજનના દિવાના માત્ર ભારતના લોકો જ નહીં પણ વિદેશી પણ છે. વિદેશી લોકોને પસંદ આવેલા ભારતના સ્ટ્રીટ ફૂડના ઘણા વીડિયો તમે ઈન્ટરનેટ પર જોયા હશે. તાજેત્તરમાં જ એક જાપાની એમ્બેસેડરનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બનારસની ગલીઓમાં વર્લ્ડ ફેમસ કચોરી અને જલેબીનો સ્વાદ માણી રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિએ દેશી અંદાજમાં રસ્તા પર ઉભા રહીને મજાથી કચોરી અને જલેબીનો સ્વાદ માણી રહ્યા છે. તેમને કેમેરાની સામે કચોરી અને જલેબી ખાધી. તેમને બંને વસ્તુઓનો સ્વાદ કેવો લાગ્યો, તે તેમનો ચહેરો જોઈને જ સમજી શકાય છે. પોતાના વીડિયોને શેયર કરતા તેમને લખ્યું કે ‘હું વારાણસીમાં કચોરીનો આનંદ લઈ રહ્યો છું’.

જણાવી દઈએ કે વીડિયોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યા છે, તેમનું નામ હિરોશી સુઝુકી છે. જે જાપાનના રાજદૂત છે અને તેમને ભારતીય વાનગીઓ ખુબ જ પસંદ છે. ઈન્ડિયન ફૂડ્સ સાથે જોડાયેલા વીડિયો તે પોતાના સોશિયલ મીડિયા પર શેયર કરતા રહે છે. આ વર્ષની શરૂઆતમાં મે મહિનામાં પણ તેમને શહેરનો પ્રવાસ કર્યો હતો અને પકોડી, બાટી ચોખા અને બનારસી થાળી જેવી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.