જાપાની કંપની અને બનાસ ડેરી વચ્ચે કરોડોના એમઓયુ થયા, અનેક લોકોને રોજગાર મળશે

એશિયાની સૌથી મોટી ડેરી બનવા તરફ આગળ વધી રહેલી બનાસ ડેરીએ પર્યાવરણ જાળવણી અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પશુઓના છાણમાંથી બાયો-સીએનજી તૈયાર કરીને વાહનો દોડાવવા અને તેની ગૌણ પેદાશો માંથી ઉત્તમ લિક્વિડ પ્રાકૃતિક ખાતર પેદા કરવા માટે બનાસ ડેરી અને જાપાનની સુઝુકી કંપની વચ્ચે આજે મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યા છે. સુઝુકી કંપની બનાસકાંઠા જિલ્લામાં પાંચ સીએનજી પ્લાન્ટ્સ અને ફિલિંગ સ્ટેશનો ઊભા કરવા રૂ. ૨૫૦ કરોડથી વધુનું રોકાણ કરશે અને ટેક્નોલોજી પણ પૂરી પાડશે, તેમ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈના સૂચનથી બનાસ ડેરીએ ગોબરધન પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય સ્વચ્છ ઈંધણ અને જૈવિક ખાતરોનું ઉત્પાદન કરી સર્ક્યુલર ઈકોનોમી સ્થાપિત કરવાનો છે. આ પ્રોજેક્ટના પ્રારંભિક પ્લાન્ટની સફળતા પછી, સુઝુકી કંપનીના સહયોગથી વધુ બાયોગેસ પ્લાન્ટ્સ સ્થાપવામાં આવશે.

બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં રૂરલ મોબિલિટી પ્રોજેક્ટ થકી રોજગારી ઉત્પન્ન કરવા માટે સુઝુકી કંપની લીઝ મોડેલ લોન્ચ કરશે. આ કરાર મુજબ, મારુતિ સુઝુકી કંપનીની પાંચ ઇકો કાર બે પસંદગીના ગામોના યુવાનોને લીઝ પર અપાશે. ૨૦૧૯માં, બનાસ ડેરીએ દામા ગામ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યો હતો, જેનાથી પ્રેરાઇને જાપાનની જાણીતી મોટરકાર કંપની સુઝુકીએ વધુ ચાર બાયોગેસ પ્લાન્ટ્સ માટે કરાર કર્યા છે.

આ પ્રોજેક્ટ્સ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થશે, જેમાં ધાનેરા, વડગામ, દિયોદર અને ડીસા સહિતના પાંચ સ્થાનો પર દૈનિક પાંચ લાખની ક્ષમતા ધરાવતા સીએનજી પ્લાન્ટ્સ અને ફિલિંગ સ્ટેશનો સ્થપાશે. પ્લાન્ટ માટે બનાસ ડેરી જમીન ફાળવશે અને સુઝુકી કંપની પ્લાન્ટ, સ્ટેશન અને ટેકનોલોજી સહિત રૂ. ૨૫૦ કરોડથી વધુનું રોકાણ કરશે.